*સુરતની ગાંધી કોલેજમાં શિક્ષણ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘વન વીક અટલ ફેકલ્ટી ડેવલપમેન્ટ’ કાર્યક્રમ યોજાયો*
સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં મજુરાગેટ સ્થિત ડો.એસ.એસ.ગાંધી કોલેજના સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટના સેમિનાર હોલમાં ‘વન વીક અટલ ફેકલ્ટી ડેવલપમેન્ટ” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજની દુનિયામાં ટેક્નોલોજીના ક્ષેત્રે નવી શોધો અને પ્રગતિ થઈ રહી છે, જે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. હાલ આપણા દેશમાં પ્રગતિમાં રહેલા મેટ્રો, બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ્સમાંથી આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી બાબતો શીખવા મળી રહી છે. સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર્સે વિદ્યાર્થીઓને નવા પ્રોજેક્ટ્સ વિશે માહિતગાર કરવા, વૈશ્વિક ટ્રેન્ડસથી વાકેફ કરવા અને જ્ઞાન વધારવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારો સિંચન થાય માટે શિક્ષકો-પ્રોફેસરોએ આત્મીયતા અને જવાબદારીપૂર્વક શિક્ષણ પ્રદાન કરવાની શીખ આપી હતી.
ભગવદ્દ ગીતામાં દર્શાવેલા માર્ગ પર ચાલવાથી જીવનના દરેક તબક્કે આવતી મુશ્કેલીઓનું સમાધાન મળશે એમ જણાવી વધુમાં તેમણે જણાવ્યું કે, આધ્યાત્મિકતા સાથે ઉન્નત સંસ્કાર સિંચન થાય તે માટે ધો. ૬ થી ૮ના અભ્યાસક્રમમાં શ્રીમદ્દ ભગવદ ગીતાના અભ્યાસને સ્થાન આપવામાં આવ્યું છે. આધ્યાત્મિક જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાથી તેમની નૈતિકતામાં વધારો થશે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ પોતાની જવાબદારીમાં નૈતિક મૂલ્યો જાળવી રાખશે. વિદ્યાર્થીઓ લોભ અને લાલચથી દૂર રહી ઈમાનદારીથી કાર્ય કરશે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. જો આપણે સારા ગુણોનું સતત ચિંતન કરીએ, તો તે ગુણો આપણામાં પ્રગટ થશે. આ માટે હંમેશા સારા વિચારોનું આદાન-પ્રદાન કરવું જરૂરી છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, એક સારો એન્જિનિયર ઉત્તમ બ્રિજનું નિર્માણ કરી શકે છે, પરંતુ તે જરૂરી નથી કે તે પોતાની પારંપરિક જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી શકે. આ માટે વ્યવહારિક, નૈતિક જ્ઞાન પણ જરૂરી છે. જો વ્યક્તિ વ્યવહારૂ બનશે તો તે પોતાના કામ સાથે પરિવારની જવાબદારીઓ પણ બખુબી નિભાવશે.
આ પ્રસંગે સિવિલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના હેડ એસ.આર.જોશી, પ્રોફેસરો, વિવિધ કોલેજોના ફેકલ્ટીઓ સહિત કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.
-૦૦૦-