*ગોધરાના વણાંકપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.*
એબીએનએસ, ગોધરા: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ વણાંકપુર મુકામે આવેલ જામેઆહ પ્રાઇવેટ આઇ.ટી.આઇ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં કુલ ૭૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
વણાંકપુર મુકામે આવેલી જામેઆહ પ્રાઇવેટ આઇ.ટી.આઇ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળામાં પંચમહાલ જિલ્લાની કુલ ૦૫ જેટલી નોકરીદાતા કંપનીઓ દ્વારા ૧૦૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ભરતી મેળામાં આઇ.ટી.આઇ. ના આચાર્ય અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ અધિકારી પ્રશાંત રાણા દ્વારા ઉમેદવારોને રોજગારલક્ષી માર્ગદર્શન અને પીએમ ઇન્ટર્નશીપ યોજનાની માહિતી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૧૨૯ હાજર ઉમેદવારો પૈકી ૭૯ ઉમેદવારોની નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.