*ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગર ખાતે ‘વસંત અને સ્વાતિ’ નામના સિંહની નવીન જોડીને નિહાળવાના પ્રદર્શનનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી*
ગાંધીનગર, સંજીવ રાજપૂત: વન્યજીવ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી નિમિત્તે વન વિભાગ તથા ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે વસંત અને સ્વાતિ નામના નર-માદા સિંહની નવીન જોડને મુલાકાતીઓ માટે પ્રદર્શનનું આજે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે તેમજ વન – પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સિંહની નવીન જોડીની પ્રાથમિક માહિતી આપતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વસંત અને સ્વાતિ નામની સિંહની જોડી જૂનાગઢના પ્રાણી સંગ્રાલય માંથી લાવવામાં આવી છે. જેમાં નર સિંહ વસંત ૩.૬ વર્ષ તેમજ માદા સિંહ સ્વાતિ ૩ વર્ષની આયુ ધરાવે છે.
વધુમાં મંત્રી મુળુભાઇ એ જણાવ્યું કે, આપણા દેશમાં વર્ષ ૧૯૫૭ થી જનમાનસમાં વન્યજીવો પ્રત્યે સંવેદના કેળવાય અને કુદરતી નિર્વસન તંત્રમાં તેના મહત્વ અંગે બહોળી પ્રસિદ્ધિ થાય તેવા ઉમદા હેતુ સાથે વન્યજીવ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે મુજબ પ્રતિ વર્ષ વિવિધ સ્તરે સરકારના વિવિધ વિભાગો અને પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ સાથે મળીને વન્યજીવ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આપણે આપણી આસપાસના જૈવવિવિધતાની મહત્તા અને જતન માટે થોડો સમય ફાળવવો જોઈએ.
વધુમાં વન મંત્રી એ ઉમેર્યું કે, વન્યજીવ સપ્તાહનો મુખ્ય ધ્યેય વન્યપ્રાણીઓનું અને તેમના આવાસોનું સંરક્ષણ થાય તે માટે પ્રતિ વર્ષ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિન એટલે કે, તા. ૨ ઓક્ટોબરથી એક સપ્તાહ સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વન્યજીવ સપ્તાહના વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરીકોમાં લોકજાગૃતિ માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે.
‘વન્યજીવ સંરક્ષણમાં શિક્ષકોની ભૂમિકા’ અંગે ઇકો કલબ શિક્ષકોની તાલીમ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, આપણા રાષ્ટ્રનું ભવિષ્ય એવા આપણા વિદ્યાર્થીઓ સમાજના ઘડતરમાં ખૂબ મહત્વનું અંગ છે.
વિદ્યાર્થીઓને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જાગૃત કરવા એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. શિક્ષકો વિદ્યાર્થીઓના શિલ્પકાર છે. વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી જીવનલક્ષી ઘણા બોધપાઠ પ્રાપ્ત કરે છે. તેમજ વિદ્યાર્થીઓ પણ શિક્ષકના જીવનનું અનુકરણ કરતા હોય છે. આપના તમામ શિષ્યગણમાં વન્યજીવો પ્રત્યે સંવેદના કેળવાય અને સંવર્ધનનું મહત્વ સમજાય તે પ્રકારનું ભણતર, ગણતર અને ઘડતરને અનુરૂપ વિવિધ આયોજનો હાથ ધરવા મંત્રીએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વન્યપ્રાણીઓનાં સંરક્ષણ અને જતનમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યુ છે. સમગ્ર એશિયામાં સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વન્યજીવોની ચિંતા સતત કરતા હતા. આજે તેઓ વડાપ્રધાન છે ત્યારે ગુજરાત સહિત દેશમાં વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનની કાળજી લઇ રહ્યા છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, દેશના સૌથી મોટા જળપ્લાવિત(વેટલેન્ડ) વિસ્તારો ગુજરાતમાં છે. જેનું આપણે સૌએ રક્ષણ કરવાનું છે. આ જળપ્લાવિત વિસ્તારોમાં દર વર્ષે મોટી સંખ્યામાં વિશ્વપ્રસિદ્ધ યાયાવર પક્ષીઓ જેવા કે, સુરખાબ, સારસ આવે છે. ગુજરાતમાં જોવા મળતા વન્યપ્રાણીઓની વિવિધતાને લીધે લગભગ તમામ પ્રકારની ઈકોસીસ્ટમ જોવા મળે છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તથા હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ યુ.ડી. સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્ય જીવ) તથા ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવ તેમજ વન વિભાગના અન્ય વરિષ્ઠ વન અધિકારીઓ તથા ગીર ફાઉન્ડેશન નાયબ નિયામક આર.પી. ગેલોત અને ગીર ફાઉન્ડેશન નાયબ નિયામક આર.બી.સોલંકી સહિત ગીર ફાઉન્ડેશનના અધિકારી-કર્મચારીઓ, શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.