*અમદાવાદ જિલ્લો બન્યો યોગમય: ગોધાવી ખાતે કલેક્ટર અને સાંસદની ઉપસ્થિતિમાં શાનદાર ઉજવણી કરાઈ*
અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ના સંદેશ સાથે અમદાવાદના સાણંદ તાલુકાના ગોધાવી ગામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં જિલ્લા કક્ષાના દશમાં ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબેન વાઘેલા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ અને પશ્વિમના સાંસદ દિનેશભાઇ મકવાણા તથા કલેકટર પ્રવીણા ડી. કે. સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
આ પ્રસંગે વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવતા અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ અભિનંદન પાઠવું છું. તેમણે યોગાભ્યાસ પર ભાર મુકતાં કહ્યું કે, આપણા રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. પ્રત્યેક નાગરિક નિરોગી અને તંદુરસ્ત બનશે ત્યારે જ સ્વસ્થ સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લાની તમામ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશનો અને જિલ્લાની જેલોમાં પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જહા, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશ્રી મેઘા તેવર, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર વી. કે. જોશી સહિત વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને સારી સંખ્યામાં નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતા.