*૮૯ વર્ષનાં હસ્તુબહેન સંઘવીએ મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ*
અમદાવાદ, સંજીવ રાજપૂત: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને લઈ અમદાવાદ જિલ્લામાં સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અસારવા – ૫૬ ખાતે પોલિંગ સ્ટેશન નંબર ૧ – મોડલ પોલિંગ સ્ટેશન સર્કિટ હાઉસમાં મતદાન કરવા આવેલાં ૮૯ વર્ષીય હસ્તુબહેનમાં મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યા હતા. વયોવૃદ્ધ હસ્તુબહેને વહેલી સવારે જ મતદાન કરીને નાગરિક તરીકેની પવિત્ર ફરજ નિભાવી હતી અને અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરવા આગ્રહભરી વિનંતી કરી હતી.
આ અંગે હસ્તુબહેનના પુત્ર કિશોર સંધવીએ જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ મતદાન મથક પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, એના લીધે મારાં માતુશ્રી આસાનીથી મતદાન કરી શક્યાં, એ જોઈને અમને ખૂબ આનંદ થયો. મારી માતા ઉંમરલાયક હોવાની જાણ થતાં મતદાન મથક પર વ્હિલચેરની સુવિધા તરત ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અમને તરત જ એક વ્યક્તિ વ્હિલચેર સાથે ફાળવી દેવામાં આવ્યા. એટલું જ નહીં, મારાં માતા સવારથી જ મતદાન કરવા માટે ઉત્સાહી હતાં અને અમને પણ મત આપવા જવાનું કહેતાં હતાં. જો ૮૯ વર્ષીય મારાં માતા મતદાન કરવા માટે ઉત્સાહી હોય તો તમામ મતદારોએ ઉત્સાહથી મતદાન કરવું જોઈએ.
*****