*કોરોના સંકટઃ દિલ્હીમાં 31 માર્ચ સુધી વીકલી માર્કેટ બંધ*

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દિલ્હીમાં તમામ જિમ, નાઈટ ક્લબ, અને સ્પા સેન્ટરને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 50 થી વધારે લોકોને એક સ્થાન પર ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. ભલે પછી તે લગ્ન સમારોહ જ કેમ ન હોય.અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, જો કોઈ કાર્યક્રમ જરુરી ન હોય તો તેને બંધ રાખો. લોકો ભીડમાં ન જાય અને ન તો ભીડને એકત્રિત થવા દે. તેમણે કહ્યું કે, કોરોનાને લઈને લોકો અફવા અને ડર ન ફેલાવે પરંતુ જાગૃત થાય. સરકાર કોરોના સામે લડવા માટે જરુરી તમામ પગલા ભરી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં 7 કેસો આવ્યા છે અને 4 હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય લોકો સાજા થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા છે.