*જામનગરના સત્યસાઈ ગરબી મંડળના નવરાત્રી મહોત્સવમાં યુવા દીકરા-દીકરીઓ દ્વારા રજૂ કરાયો અદભુત મશાલ રાસ*
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના સત્યસાઈ નગર સોસાયટી ખાતે યુવા દીકરા-દીકરીઓ દ્વારા અદભુત મશાલ રાસ તેમજ આગના વર્તુળમાં ગરબાના શાનદાર પ્રદર્શન અને નાની દીકરીઓના ભવ્ય ભુવા નૃત્ય સાથે નવરાત્રી ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
માં અંબાની શક્તિ ભક્તિનું આરાધ્ય પર્વ એટલે નવલી નવરાત્રી. આખાય રાજ્યભરમાં નવરાત્રીના મહોત્સવનું ભવ્ય અનેરું આયોજન કરવામાં આવે છે અને લોકો માં અંબાના ગીતો પર ગરબા રમી આદ્યશક્તિના મહોત્સવને ઉજવે છે. સૌરાષ્ટ્રમાં પણ નવરાત્રીનું ખાસ મહત્વ જોવા મળે છે અને વિવિધ મહોત્સવ થકી માં અંબાની ભક્તિ ગરબા રમી કરવામાં આવે છે.
જામનગર ખાતે આવેલ સત્યસાઈ નગર સોસાયટી ખાતે સત્યસાઈ ગરબી મંડળ દ્વારા ગરબા મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકા હોય યુવાઓ કે વડીલો સૌ કોઈ ઉત્સાહપૂર્વક વિવિધ સ્વરૂપે ભાગ લઈ આ નવ દિવસના મહોત્સવને ઉજવે છે.
નવલી નવરાત્રીના ચોથા દિવસે અહીં યુવા દીકરા દીકરીઓ દ્વારા અદભુત આગના મશાલ રાસ તેમજ આગના વર્તુળમાં ગરબા રમવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓ મશાલ હાથમાં લઈ તેઓ ગરબે રમ્યા હતા તો બીજી તરફ કુંવરિકા બાળાઓ દ્વારા સતત 15 મિનિટ સુધી ધૂણી ભુવા નૃત્ય તેમજ અન્ય રાસ ગરબા દ્વારા સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. જ્યારે ઘરના કાર્યમાં વ્યસ્ત રહેતી ગૃહિણી બહેનોએ પણ વિશેષ ભાગ ભજવતા ઘુમર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
યુવાઓ દ્વારા પૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે આગના આ મશાલ નૃત્ય સાથે સાથે આગના વર્તુળમાં પણ મશાલ સાથે ગરબા રમી માં અંબાના નવરાત્રીના પર્વને ઉજવ્યો હતો. નવલી નવરાત્રી ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે ખેલૈયાઓ પણ મન મુકીને આ ભક્તિના પર્વને મન મૂકી ઉજવી રહ્યા છે.