*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135મું અંગદાન. સાણંદના વિલાસબેન પટેલે ત્રણેને નવજીવન આપ્યું*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135 મું અંગદાન થયું છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઉપરદલ ગામના વતની વિલાસબેન પેટલ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. સમગ્ર ઘટના એવી બની કે, 28 વર્ષના વિલાસબેન પટેલને 2 જી ઓક્ટોમ્બરે માર્ગ અકસ્માત સાંપડ્યો. માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા પરિવારજનો તેમને પહેલા ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સઘન સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા.
સિવિલ હોસ્પિટલમાં 48 કલાકની સધન સારવારના અંતે તબીબોએ તેઓને બ્રેઇનડેડ જાહેર કર્યા. બ્રેઇનડેડ જાહેર કરાતા હોસ્પિટલના કાઉન્સેલર્સ અને હોસ્પિટલના સિક્યુરિટી કર્મી રમેશભાઇ પરમાર દ્વારા વિલાસબેનના પિતા અશોકભાઇ પટેલ અને પતિ ભાઈલાલભાઈ પટેલને અંગદાન માટે સમજાવવામાં આવ્યા. અને તેઓએ પરોપકાર ભાવ સાથે અંગદાનનો નિર્ણય કર્યો.
આ નિર્ણય બાદ રીટ્રાઇવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે. જે સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 135 અંગદાન થયા છે. જેમાં મળેલા 435 અંગો દ્વારા 418 જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે.
…………………….