ભિક્ષામુક્ત અને સ્વચ્છ અંબાજીના મૂળમંત્ર સાથે ભકતોને અપાર શક્તિ પ્રદાન કરતું શ્રી શક્તિ સેવા કેમ્પ
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે અંબાજી પગપાળા જતા માઇભક્તોને તમામ હાઈટેક સેવા પ્રદાન કરતો સામાજિક કાર્યકર ઉષાબેન અગ્રવાલ સંચાલિત શ્રી શક્તિ સેવા કેમ્પ ભક્તોના હૃદયમાં અનેરું સ્થાન પામી રહ્યો છે.
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે. ત્યારે અનેકો સેવા સંસ્થાઓ દ્વારા પદયાત્રીકોની સેવા માટે અનેકો સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં રહેવા, જમવા, સ્વાસ્થયથી લઈને યાત્રિકોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અંબાજી પાસે આવેલ અમદાવાદ અને અંબાજીના સામાજિક કાર્યકર ઉષાબેન અગ્રવાલ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજીમાં 15 વર્ષથી સેવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓ દ્વારા અંબાજીના પાનસા પાસે પદયાત્રીઓ માટે 24 કલાક ચા- નાસ્તો, ભોજન, મોબાઈલ ચાર્જીગ, ફ્રી વાઈ ફાઇ, મેડિકલ સેવા, આઈસ્ક્રીમ છાશ તેમજ ચાલીને આવતા ભક્તો માટે ખાસ મસાજ મશીનો દ્વારા પગની માલિશ કરવા સહીતની હાઇટેક સેવા આપતો કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો છે જ્યાં નિરંતર 24 કલાક તમામ સુવિધાઓ ભક્તોને નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રોજ રાત્રે વિવિધ કલાકારો થકી ભક્તોના મનોરંજન માટે ભજન અને ગીતોના કાર્યક્રમ માટે પણ આયોજન કરવામાં આવે છે.
ભિક્ષા મુક્ત અંબાજી અને સ્વચ્છ અંબાજી ના મૂળમંત્ર ના લક્ષ્ય સાથે તેઓ દ્વારા ભિક્ષાવૃત્તિ કરતા બાળકો અને પરિવારને ભિક્ષા માંગતા બંધ કરાવી શાળામાં શિક્ષણ અને તેમના રહેવા માટે પાકા આવાસો બનાવી રહેવાની વ્યવસ્થા કરી આ બાળકોને નવું જીવન અર્પણ કરી સમાજમાં જીવન જીવવા પ્રેરિત કરી ગરીબ અને અસહાય લોગો માટે રોજગારની અનેકો તક ઊભી કરી છે. ભક્તોના હૃદયમાં આ કેમ્પ અનેરું સ્થાન પામતું જોવા મળે છે. કોઈ પણ હોય અમીર કે ગરીબ કોઈ પણ જાતના ભેદભાવ વગર અહીં લોકો નીચે એકસાથે બેસી ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે અને જય અંબેના નાદ સાથે આશિષ પ્રદાન કરતા આગળ વધે છે.