*કવોરીઓ તથા માઈન્સમાં થતી બ્લાસ્ટીંગની કામગીરી તથા ડમ્પરોની અવર-જવર પણ નિયંત્રણ મુકતું પ્રસિધ્ધ કરાયું જાહેરનામું*

*કવોરીઓ તથા માઈન્સમાં થતી બ્લાસ્ટીંગની કામગીરી તથા ડમ્પરોની અવર-જવર પણ નિયંત્રણ મુકતું પ્રસિધ્ધ કરાયું જાહેરનામું*

 

પાલનપુર, સંજીવ રાજપૂત, આગામી તા.૨૩ થી તા.૨૯ સપ્ટેમ્બર દરમ્યાન અંબાજી મુકામે ભાદરવી પુનમ મહામેળા નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતાં હોય છે. આ મહામેળા દરમ્યાન અમદાવાદ, મહેસાણા જિલ્લા તરફથી પગપાળા યાત્રીકો તથા સંઘોના વાહન અંબાજી ખાતે સતલાસણા થઈ દાંતા થઈ અંબાજી જતા હોય છે. આ રોડ ઉપર કવોરીઓ તથા માઈન્સ આવેલ હોય તેમજ અંબાજી ખાતે પણ માઈન્સ આવેલ છે. જે માઈન્સમાં બ્લાસ્ટીંગની કામગીરી ચાલુમાં છે તેમજ આ રોડ ઉપર કપચી તથા પથ્થરો ભરી ડમ્પરો પણ આવન-જાવન કરતાં હોય છે. જેથી બ્લાસ્ટીંગ થાય અને ડમ્પરો આવન- જાવન કરે તો અકસ્માતો થવાની સંભાવના રહેલ છે.

 

જેથી ભાદરવી પુનમ મહામેળા દરમ્યાન કવોરીઓ તથા માઈન્સમાં થતી બ્લાસ્ટીંગની કામગીરી તથા કપચી અને પથ્થરો ભરી ડમ્પરોની અવર-જવર પણ બંધ રાખવી જરૂરી જણાતો હોઇ નિયંત્રણ મુકવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ થયેલ છે.

 

જે અંતર્ગત વરુણકુમાર બરનવાલ, આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા દ્વારા પાલનપુર ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સતાની રૂએ નીચે જણાવેલ સમયગાળા દરમ્યાન સતલાસણાથી દાંતા થઈ અંબાજી જતાં માર્ગ ઉપર તથાં ખેરોજથી હડાદથી અંબાજી જતાં માર્ગ ઉપર અવર-જવર કરતાં ડમ્પરોની આવન-જાવન અને ક્વોરી અને માઈન્સમાં થતી બ્લાસ્ટીંગની કામગીરી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

 

ઉકત પ્રતિબંધ તા.૨૦/૦૯/૨૦૨૩ થી તા.૩૦/૦૯/૨૦૨૩ (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.