ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે ગૃહ વિભાગના ૭,૫૦૩ કરોડની બજેટ ઉપરની માગણીઓની ચર્ચામાં જવાબ આપતાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુંડા તત્વો સામે સખ્તાઈથી કાર્યવાહી કરવાના આશય સાથે ગુંડાઓ પણ ફફડી ઊઠે તેવો નવો કાયદો આ સરકાર લઈને આવવાની છે.
એટલું જ નહિ પરંતુ ગુજરાતમાં પાસાના કાયદાને પણ વધુ કડક બનાવાશે, આમ ગુજરાતમાં ગુજસીટોકના કાયદા ઉપરાંત ગુંડા એક્ટ, પાસાના કાયદાને સખ્ત બનાવવામાં આવશે. ગૃહ વિભાગમાં ૧૦,૯૮૯ નવી જગ્યાઓ ભરાશે.
રાજ્યકક્ષાના ગૃહમંત્રીએ જણાવ્યું કે, ટ્રાફિક નિયમન કરતાં પોલીસ જવાનોને મદદરૂપ થવા આઠ હજાર જેટલા બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવશે, ગુજરાત પહેલું રાજ્ય છે જેણે ૯ હજાર બોડી વોર્ન કેમેરા ખરીદ્યા છે, એક હજાર કેમેરા ગુના ડિટેક્શનની કામગીરી સાથે સંકળાયેલા તથા કાયદો વ્યવસ્થાની જાળવણી સાથે સંકળાયેલા જવાનોને અપાશે. કેમેરા સીમ કાર્ડ સાથેના હોવાથી ઈન્ટરનેટના માધ્યમથી તેનું ફિડ કંટ્રોલરૂમ ખાતે અથવા સિનિયર અધિકારી પણ જોઈ શકશે.
એટલું જ નહિ પરંતુ ટેઝર ગન પણ વસાવવામાં આવશે. આ ગન વડે કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કર્યા વિના કાબૂમાં કરી શકાય છે, વિદેશી ટેક્નોલોજી ધરાવતી આ ગન પોલીસને ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, આ જ રીતે એન્ટી ડ્રોન સિસ્ટમ અપનાવીને હવાઈ નિરીક્ષણ દ્વારા સુરક્ષા અને સલામતીની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવશે.