*રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમની ટીમે નિદાન કરીને પરીવારને યોગ્ય તબીબી માર્ગદર્શન આપતા પાર્થની આંખની ખામી દૂર થઈ* 

*ત્રાંસી આંખની ખામી દૂર થતાં ૭ વર્ષના પાર્થનું રૂપ નિખરી ઉઠ્યું*

૦૦૦૦

*રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમની ટીમે નિદાન કરીને પરીવારને યોગ્ય તબીબી માર્ગદર્શન આપતા પાર્થની આંખની ખામી દૂર થઈ*

૦૦૦૦

*બિદડા સર્વોદય ટ્રસ્ટ-મુંબઈના સહયોગથી તજજ્ઞ ડો.અતુલ શેઠે સફળ શસ્ત્રક્રિયાથી પાર્થની ત્રાંસી આંખને સીધી કરી*

૦૦૦૦

 

*ભુજ, બુધવાર:*

 

કચ્છ જિલ્લાના નખત્રાણાના ૭ વર્ષના પાર્થની ત્રાંસી આંખની જન્મજાત ક્ષતિ દૂર થતાં હવે તેનું રૂપ નિખરી ઊઠયું છે. ઉમા વિદ્યાલય-નખત્રાણામાં બીજા ધોરણમાં ભણતા પાર્થને જન્મથી જ ત્રાંસી આંખની ખામી હતી. પાર્થના માતા-પિતા અને પરિવારજનો પણ પાર્થના ભવિષ્યનો વિચાર કરી દુ:ખી થતા હતા. ત્રાંસી આંખની ખામી ઓપરેશનથી દૂર થઈ શકે છે પણ તેના માટે ૭૦-૮૦ હજાર જેટલો મોટો ખર્ચ થાય છે તેમ જાણીને માતા-પિતાની ચિંતા વધી ગઈ હતી.

સરકારશ્રીની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ જ્યારે તાલુકાની ડાડોર પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્યની સઘન ચકાસણી હાથ ધરવા માટે આવી તે દરમિયાન શાળાના એક શિક્ષકે તેમની શાળામાં અભ્યાસ કરતા પાર્થને ત્રાંસી આંખની ખામી હોવાની જાણ કરી. આ ખામી દૂર કરવા જો આરોગ્ય વિભાગમાં કોઈ યોજના કે જોગવાઈ હોય તો જણાવવા રજૂઆત કરી હતી.

આર.બી.એસ.કેની ટીમે ત્રાસી આંખની સીધી કરવાના ઓપરેશન સિવિલ હોસ્પિટલ, અમદાવાદ અથવા બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે તેની માહિતી સાથે જરૂરી માર્ગદર્શન પાર્થના પરિવારજનોને પૂરું પાડ્યું હતું.

પિતા ભીમજીભાઈ આહીર પાર્થને લઈને તા.૯મી જૂન ૨૦૨૩ના રોજ બિદડા સર્વોદય ટ્રસ્ટમાં ગયા જ્યાં પાર્થની આંખ સહિત શારીરિક તપાસ કરવામાં આવી. બીજા દિવસે તા.૧૦ જૂન ૨૦૨૩ના રોજ તજજ્ઞ તબીબ ડૉ.અતુલ શેઠ દ્વારા સફળ ઓપરેશનથી પાર્થની ડાબી ત્રાંસી આંખને સીધી કરાઈ હતી. પાર્થને બીજા જ દિવસે રજા આપીને ઘરે મોકલવામાં આવ્યો હતો. એક મહિના પછી તા.૧૦ જુલાઈ, ૨૦૨૩ના રોજ તપાસણીમાં પાર્થ હવે બરાબર જોઈ શકે છે અને તેની બંને આંખ સીધી થઈ જતાં પાર્થનું રૂપ નિખરી ઉઠ્યું છે. પાર્થના પરિવારજનોએ બિદડા સર્વોદય ટ્રસ્ટ તથા આરોગ્ય તંત્ર પ્રત્યે આભારભાવ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાર્થની ત્રાંસી આંખ સીધી કરવાના ઓપરેશન સુધીની સમગ્ર પ્રક્રિયામાં કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર. આર. ફૂલમાલીનું માર્ગદર્શન, DPC ડો.ભવર પ્રજાપતિનું સંકલન અને આર.બી.એસ.કે ટીમ નખત્રાણાના ડો.અજય ત્રિવેદી, ડૉ. કશ્યપ ડોડીયા, ફાર્માસિસ્ટ હેમાંગ જોશી, એફ.એચ.ડબલ્યુ હીનાબેન લોચાનો સરાહનીય સહયોગ મળ્યો હતો.

આ પ્રકારની તબીબી સારવારની સુવિધા લેવા માટે કચ્છ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવું પડતું હતું જેનાથી આવવા જવાનું ભાડું અને સમયનો વ્યય થતો હતો. જોકે, તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી અને રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રભવ જોશીના પ્રયાસથી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને આર.બી.એસ.કે.ના સંકલનથી બિદડા સર્વોદય સંસ્થામાં મફતમાં સારવાર થાય તેવી આશીર્વાદરૂપ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. બિદડા સર્વોદય ટ્રસ્ટમાં મુંબઈથી નિષ્ણાત ડો. અતુલ શેઠ દર વર્ષે કેમ્પમાં આવીને ત્રાસી આંખની ખામીવાળા ૧૪ વર્ષની વય સુધીના બાળકોનું વિનામૂલ્યે ઓપરેશન કરે છે.

ગૌતમ પરમાર

૦૦૦૦