રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સામાજિક એકતા માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

 

જીએનએ અમદાવાદ: 146 મી રથયાત્રા અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા હિન્દૂ-મુસ્લિમ સામાજિક એકતા અને સદભાવના માટે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથ ની રથયાત્રાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ શાંતિપૂર્ણ રથયાત્રા માટે સજ્જ બનતી હોય છે. અને જમાલપુર ખાતે આ યાત્રા કૌમી એકતાના વાતાવરણમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો કરતી આવે છે. એકતાનો એક રંગ ની પ્રતીતિ કરાવતી અમદાવાદ શહેર પોલીસ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા હિન્દૂ-મુસ્લિમ કૌમી એકતાના રંગે રંગાય તે ઉમદા હેતુ સાથે જગન્નાથ મંદિર જમાલપુર ખાતે એક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૌમી એકતાનો રંગ જોવા મળ્યો હતો.

પોલીસના જવાનો તેમજ વિસ્તાર સહિત આસપાસના હિન્દૂ મુસ્લિમ આગેવાનો, સ્થાનિકોએ આ રક્તદાન શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પોલીસ અધિકારી નીરજ બડગુર્જર, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, મંદિરના મહંત શ્રી સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું. આ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે તેમજ થેલેસમિયા ગ્રસ્ત દર્દીઓ માટે કરવામાં આવશે. આ મહા રક્તદાન શિબિર એક હજાર ઉપર રક્તદાન બોટલ એકત્ર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથ ની 146 મી રથયાત્રા નજીક આવી રહી છે અને તે કૌમી ઉલ્લાસ અને એખલાસ સાથે ભવ્ય રીતે ઉજવી પૂર્ણ થાય તેવો પ્રયાસ સદૈવ હિન્દૂ-મુસ્લિમ જનતા અને અમદાવાદ શહેર પોલીસનો રહેતો આવ્યો છે જે સરાહનીય બાબત કહી શકાય.