સૈન્ય હોસ્પિટલ અમદાવાદ ખાતે નવા મેડિકલ અને સર્જિકલ વોર્ડનું ઉદઘાટન કરતા લેફ્ટનન્ટ જનરલ એ કે સિંહ
જીએનએ અમદાવાદ: મિલિટ્રી હોસ્પિટલ અમદાવાદની સ્થાપના 19મી સદીના પ્રારંભમાં બ્રિટિશ મિલિટ્રી હોસ્પિટલ તરીકે થઇ હતી. આ હોસ્પિટલ 1876-1887થી એક વિન્ટેજ બિલ્ડિંગ તરીકે કાર્યરત છે. તે ગુજરાત રાજ્યમાં અને તેની આસપાસ તમામ સેવારત સૈનિકો, માજી સૈનિકો અને તેમના પરિવારોને તબીબી કવચ અને તબીબી સેવાઓ પૂરી પાડે છે.
હોસ્પિટલની યશકલગીમાં વધુ એક ઉમેરો કરતાં 16 મે, 2023ના રોજ લેફ્ટનન્ટ જનરલ એ કે સિંહ, AVSM, YSM, SM, VSM. GOC-in-C, દક્ષિણી કમાન્ડ દ્વારા 76 બેડ મેડિકલ અને સર્જિકલ વોર્ડનો સમાવેશ કરતી નવી અત્યાધૂનિક ઇમારતનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે દર્દીઓ સાથે વાતચીત કરી હતી, ફળોનું વિતરણ કર્યુ હતુ અને તેમને ઝડપી સાજા થવા માટે શુભેચ્છાઓ આપી હતી.
લેફ્ટનન્ટ જનરલ એ કે સિંહે સૈન્ય દળોને પૂરી પાડવામાં આવતી સારવાર માટે બ્રિગેડિયર સંજીવ કપૂર, કમાન્ડન્ટ મિલિટ્રી હોસ્પિટલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતા. બ્રિગેડિયર સંજીવ કપૂરે ઉમેર્યુ હતું કે આ ઇમારત સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય સિસ્ટમ અને અન્ય આધૂનિક માળખાગત સુવિધાઓથી સજ્જ છે, જે અસાધારણ આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડીને દર્દીઓને મળતી સારવારના સંતોષમાં વધારો કરશે.