મહુડાના બિસ્કીટ, મહુડાના આઈસ્ક્રીમ બાદ નર્મદામાં ફૂલતા ફાલતા મહુડામાંથી હવે દેશી બિયર બનાવાશે !


મહુડાના ફૂલ અને અન્ય ફળો અને મિશ્રણ સાથે પોષક તત્વોથી ભરપૂર અને 5 ટકા સુધી આલ્કોહોલ ધરાવતી બિયર બજારમાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે ?
રાજપીપળા, તા.13
નર્મદા જિલ્લામાં હજારોની સંખ્યામાં મહુડા ના ઝાડો આવેલા છે. નર્મદાના આદિવાસીઓનો 80% પરિવાર મહુડા ની આવક પર નભે છે. ભણેલા-ગણેલા અસંખ્ય યુવાનો રોજગારીના અભાવે બેકાર બન્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં સૌથી વધુ જોવા મળતા મહુડાના ફૂલમાંથી મહુડાના બિસ્કીટ, મહુડાના આઈસક્રીમ તો બનાવતા થયા છે પણ હવે મહુડાના ફૂલમાંથી હવે દેશી બિયર પણ બનાવવાની માંગ ઉઠવા પામી છે.
તાજેતરમાં દિલ્હી, છત્તીસગઢ અને ઝારખંડના આદિવાસીઓએ મહુડાના ફૂલમાંથી દેશી બિયર બનાવ્યો છે.ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટ્રાઇફેડ) માર્કેટમાં મહુડાના ફૂલ અને અન્ય ફળોને મિશ્રણ સાથે પોષકતત્વોથી ભરપૂર અને 5 ટકા સુધી આલ્કોહોલ ધરાવતી બિયર લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટ્રાઇફેડના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવિર ક્રિષ્નાએ જણાવ્યું કે, તેમણે દિલ્હી સરકાર પાસે એક્સાઈઝ લાઈસન્સ માટે એપ્લાય કર્યું છે. એકવાર પ્રોડક્શન શરૂ થઈ જાય તે બાદ તેનું અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવામાં આવશે.
ટ્રાઇફેડએ આઈઆઈટી દિલ્હી સાથે મળીને બે વર્ષની મહેનતથી મહુડાના ફૂલમાંથી દેશી બિયર તૈયાર કર્યો છે. છત્તીસગઢની આદિવાસી બહુઉદ્દેશ્ય કો-ઓપરેટિવ સોસાયટીએ નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે મળીને મહુડાના ફૂલની બિયર તૈયાર કરવા અને રિસર્ચ માટે આવેદન આપ્યું હતું. ગ્રાહકોને પ્રોડક્ટ ટેસ્ટ કરાવ્યા બાદ ઉદ્યમીઓ તેને માર્કેટમાં લાવે તે માટે ટ્રાઇફેડએ નવી ટેકનોલોજી ટ્રાન્સફર કરવા એનઆરડીસી સાથે એમઓયુ સાઈન કર્યા હતા.
ત્યારે હવે દેશી બિયર બજારમાં આવી જશે.
ઉલ્લેખનીય છે કે મહુડાના ઘણા બધા ઉપયોગ છે અને ગ્રામિણ ઘરોમાં આર્થિક રીતે તેનું ઘણું મહત્વ છે. તેના ફૂલો સુગરનો સારો સ્ત્રોત છે જેમાં વિટામીન, મિનરલ્સ અને કેલ્શિયમ હોય છે. આ ફૂલોને નિસ્યંદિત કરીને આથો બનાવવામાં આવે છે, જેમાંથી બનતા દારૂને દેશી બિયર તરીકે ઓળખવામાં આવે છે. આ બિયરમાં રહેલા પોષક તત્વો હાર્ટના રોગને દૂર રાખે છે.
આ અંગે નર્મદાના આદિવાસીઓ આગેવાન આ મુદ્દે સંગઠનના પ્રમુખ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા માં હજારોની સંખ્યામાં મહુડાના ઝાડ આવેલા છે. નર્મદાના આદિવાસીઓને 80% પરિવાર મહુડા ની આવક પર નભે છે.ભણેલા- ગણેલા અસંખ્ય યુવાનોને રોજગારીના અભાવે બેકાર બન્યા છે ત્યારે નર્મદામાં ફૂલમાંથી મહુડાના ફૂલમાંથી હવે દેશી બિયર પણ બનાવવામાં આવ્યા અને ગૃહ ઉદ્યોગ તરીકે વિકસાવવામાં આવે તો નર્મદાના અસંખ્ય યુવાનોને રોજગારી મળી શકે તેમ છે, પણ માટે રાજ્ય સરકારે પરમીટ આપવી જોઈએ હાલ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ પર દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આવી આવે છે ત્યારે તેમના માટે આવો દેશી બિયર પીરસવામાં આવે તો સરકારને તગડી આવક થઈ શકે છે સરકારે અમુક ચોક્કસ પરવાનગી વાળા ઝોન નક્કી કરીને સેન્ટર બનાવી શકાય જ્યાં બેસીને દેશી બિયરના આનંદ પ્રવાસીઓ માણી શકે ગુજરાતમાં દારૂબંધી હોવાથી આ ગૃહ ઉદ્યોગ વિકસી શકે તેમ નથી પણ સરકાર આવા ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપે સરકારને પ્રવાસન ઉદ્યોગ મારફતે તગડી આવક થઈ શકે છે. પ્રવાસીઓ પણ તેને આવકારી રહ્યા છે ત્યારે સરકારે નર્મદા જિલ્લા માટે ખાસ પરવાનગી આપવી જોઈએ એવી પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા