*ગુજરાતમાંથી ભાજપ જેને રાજ્યસભામાં મોકલી રહ્યો છે, એ અભયભાઈ હજારો-લાખો લોકોનાં ભાઈ છે!*
*લખી રાખજો, રાજ્યસભામાં તેઓ કોંગ્રેસ અને વિરોધ પક્ષનાં છોતરાં કાઢી નાંખશે*
*-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર*
તેઓ કાયદાપંચના સભ્ય રહી ચૂક્યા છે, 2002નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ રહી ચૂક્યા છે, ગુજરાતનાં ટોચનાં ધારાશાસ્ત્રીઓમાં એમની ગણના થાય છે, જુલાઈ 2019માં ગુજરાત સરકારે તેમને જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નીમ્યા હતા, કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સૂત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂક્યા છે, નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તેઓ જ વકીલ હતા… પણ, આ બધાં જેટલી જ વિશિષ્ટ ઓળખાણ એ છે કે, અભય ભારદ્વાજ ભાજપનાં હજારો-લાખો કાર્યકરો માટે અને મારા જેવા અનેક લેખકો-પત્રકારો માટે પણ ભાઈ છે. મોટાભાઈ.
એક જમાનામાં મુંબઈના મેગેઝિનોમાંથી સૌરાષ્ટ્રની ઘટનાઓ કવર કરવા જે કોઈ પત્રકાર આવે, અભયભાઈને અચૂક મળતા. એનાં બે-ત્રણ કારણો: (1) તેમની પાસે જે-તે વિષયની અખૂટ માહિતી અને રેફરન્સ હોય (2) ક્યારેય ઠંડો આવકારો ન મળે (3) તેઓ સ્વયં કારકિર્દીની શરૂઆતમાં *જનસત્તા* માં પત્રકાર રહી ચૂક્યા છે, તેથી પત્રકારોને કેવી માહિતી ખપતી હોય અને કેવા વિષયોમાં રસ પડે, તેની તેમને પાક્કી ખબર. એક રિપોર્ટ માટે એમને મળવા ગયા હોઈએ તો બીજા ત્રણ વિષયો તેઓ વાતવાતમાં જ આપી દે.
પ્રખર રાષ્ટ્રવાદી. સંઘના સંસ્કાર. પરશુરામ યુવા સંસ્થાની રચના એમણે જ કરી હતી. બ્રાહ્મણો માટે સદૈવ એક સંકટ સમયની સાંકળ. જો કે, એનો અર્થ એવો નથી કે, તેઓ કોઈ કટ્ટર જ્ઞાતિવાદી છે. છેલ્લે હું મળવા ગયો ત્યારે મારી સાથે એક દલિત IPS ઑફિસર હતા અને *ભાઈ* ત્યારે જે વાતો કરતા હતા તેમાંથી સમજાયું કે, દલિતોની પણ તેમને કેટલી બધી ચિંતા છે!
રાજકારણની તેમની સમજ સાતમા પાતાળ જેટલી ઊંડી છે. જ્ઞાતિવાદ અને તકવાદને લીધે કેટલીક પાર્ટીઓ એવા ઘોઘા અને ગમાર લોકોને સંસદમાં અને રાજ્યસભામાં મોકલે છે કે, ત્યાં બેઠા હોવા છતાં રાષ્ટ્રીય સમસ્યાઓનું કે કરન્ટ અફેર્સનું એમને ઝાઝું જ્ઞાન નથી હોતું. અભયભાઈ રાજકોટની તેમની ઑફિસમાં બેઠા પણ આવી દરેક બાબતો અંગે વાકેફ હોય છે, તેની તલસ્પર્શી માહિતી તેમની પાસે હોય. માત્ર માહિતી નહિ, જ્ઞાન પણ હોય. બ્રાહ્મણસહજ પાંડિત્ય એ એમની મૂડી છે. એ આગવી સંપદાનો સદુપયોગ હવે રાજ્યસભામાં પણ જોવા મળશે. અભિનંદન, ભાઈ.
*-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર*