ભચાઉ દર્શન માટે આવતા ટેમ્પો ટ્રાવેલ્સ માળીયા નજીક પલ્ટી

ભચાઉ: રાજકોટથી ભચાઉ સહિત કચ્છમાં દર્શનાર્થે આવી રહેલા મહિલા સંઘની બસને માળીયા ભીમસર ચોકડી નજીક અકસ્માત નડતા ટેમ્પો ટ્રાવેલર્સ પલ્ટી મારી જતા ૧૪ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ચાર એમ્બ્યુલન્સ મારફતે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના પ્રેમ પારસ મહિલા મંડળના ૨૫ મહિલાઓનું ગ્રુપ આજે વહેલી સવારે રાજકોટથી ટેમ્પો ટ્રાવેલર્સમાં બેસી કચ્છ જિલ્લાના ભચાઉ પાસે આવેલા નમસ્કાર તીર્થ સ્થળે દર્શન કરવા આવતા હતા ત્યારે સવારે સાતેક વાગ્યાના અરસામાં ટેમ્પો ટ્રાવેલર્સના ડ્રાઈવરને જોકુ અવાઈ જતા માળિયાના ભીમસર ચોકડી નજીક આ મીની બસ પલ્ટી મારી ગઈ હતી અને મીની બસમાં સવાર ૧૪ જેટલી મહિલાઓને નાની મોટી ઇજાઓ પહોંચતા વધુ ઇજા પામેલા મહિલાઓને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.