ગાંધીધામમાં વાહનચાલકોને ધ્વની પ્રદૂષણ અટકાવવા શીખ અપાઈ
કચ્છમાં માર્ગ દુર્ઘટના સામે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુ સાથે અહીંના રોટરી સર્કલ પાસે એક સપ્તાહ માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ઈન્નરવ્હીલ ક્લબ અને ટ્રાફિક પોલીસ દ્વારા રોડ દુર્ઘટના રોકવા અને ધ્વની પ્રદૂષણ સામે જાગૃતિ કેળવવા આ અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં લોકોને વાહનોની ઝડપ, ટ્રાફિકના નિયમોનું સુચ્ચારુ પાલન કરવા, પર્યાવરણની જાળવણી કરવા વગેરે મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી માટે વાહનોમાં રેડિયમ સ્ટિકર પણ લગાડવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, ખજાનચી હરીશભાઈ માહેશ્વરી, એલએન્ડટીના રૂટમેનેજર શૈલેષ રામી તેમજ વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો, નાગરિકો વગેરે હાજર રહી પ્રોત્સાહન આપ્યું હતું. આયોજનમાં સંસ્થાના પ્રમુખ પૂજાબેન ઠક્કર તથા અન્ય હોદ્દેદારો, સભ્યો અને ટ્રાફિક પોલીસનો સહયોગ સાંપડયો હતો.