*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ (GUTS)નો ત્રીજો પદવીદાન સમારોહ સંપન્ન*

*ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ૧૭૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી*
………….
*GUTS દ્વારા પ્રત્યારોપણ ક્ષેત્રે કરવામાં આવી રહેલી કામગીરી રાજ્ય અને દેશ માટે ઉદાહરણીય – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ*
……………….
*:- મંત્રી ઋષિકેશ પટેલ :-*

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિવિલ મેડિસિટીના ડેવલપમેન્ટનું જોયેલું સ્વપ્ન પૂર્ણતાના આરે
 રીટ્રાઇવલથી પ્રત્યારોપણની અત્યંત પડકારજનક કામગીરી સિવિલના તબીબો દ્વારા ખંતપૂર્વક કરવામા આવી રહી છે
 સિવિલ મેડિસિટીના પરિણામે ગુજરાતના મેડિકલ ટુરિઝમમાં વધારો થયો છે


………………..
*(GUTS) દ્વારા પીડીયાટ્રીક નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના અભ્યાસક્રમ શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે : ડૉ. પ્રાંજલ મોદી*
*********************************
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ(GUTS)નો ત્રીજો પદવીદાન સમારંભ સંપન્ન કરવામાં આવ્યો.
GUTSના વાઇસ ચાન્સેલર અને SOTTOના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી સહિત સિવિલ મેડિસિટીની વિવિધ હોસ્પિટલ અને કૉલેજના ડાયરેક્ટર, ડીન અને સુપ્રીટેન્ડેન્ટશ્રીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.


મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ પદવીદાન સમારંભમાં મેડિકલ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત તબીબોને તેમના નિષ્ઠાપૂર્વકના સેવાકીય કાર્યને બિરદાવીને તમામ પ્રત્યે ઋણ અદા કર્યો હતો.
તબીબો દ્વારા ગરીબ અને દરીદ્રનારાયણ દર્દીઓની સેવા-સુશ્રુષા- સારવાર અને નવજીવન બક્ષવાની કરવામાં આવી રહેલી અસરકારક અને જનહિતલક્ષી કામગીરીને બિરદાવી હતી.


તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિવિલ મેડિસીટીના ડેવલપમેન્ટના જોયેલા સ્વપ્નનું નિર્માણકાર્ય હવે પૂર્ણતાના આરે છે. સિવિલ મેડિસિટીમાં ઉપલબ્ધ તમામ તબીબી અને સુપરસ્પેશ્યાલિસ્ટ સેવાઓ રાજ્ય અને દેશની અન્ય હોસ્પિટલ માટે પણ ઉદાહરણીય બની છે.
સિવિલ મેડિસિટી કેમ્પસમાં રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ થતાં ઘણાં જરૂરિયાતમંદ અને પીડિત દર્દીઓને નવજીવન મળી રહ્યું છે. રીટ્રાઇવલથી પ્રત્યારોપણની પ્રક્રિયાઓ અત્યંત પડકારજનક હોવાનું જણાવી સિવિલ અને સોટ્ટાની ટીમ દ્વારા આ કામગીરી નિષ્ઠા અને ખંતપૂર્વક કરવામા આવી રહી હોવાનું જણાવ્યુ હતું.
સિવિલ મેડિસિટીમાં ઉપલબ્ધ વિવિધ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના પરિણામે ગુજરાતના મેડિકલ ટુરિઝમમાં વધારો થઇ રહ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું,
આ ક્ષણે તેમણે પદવી મેળવી રહેલા તબીબી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવીને તેઓને જીવનમાં પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને સમાજસેવાની પ્રવૃતિઓ કરવા માટે પણ પ્રેર્યા હતા.
તેમણે વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે સમયતાંરે આવી રહેલા ટેકનીકલ બદલાવને અપનાવીને સતત અપડેટેડ રહીને જ્ઞાનવર્ધન માટે પણ પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે GUTSના વાઇસ ચાન્સેલર ડૉ. પ્રાંજલ મોદીએ ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે કરવામાં આવી રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
તેમણે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ પ્રત્યારોપણ ક્ષેત્રે કાર્ય કરતી દેશની એકમાત્ર સરકારી સંસ્થા હોવાનું જણાવ્યું હતું.
આવનારા સમયમાં પીડિયાટ્રીક નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રેના અભ્યાસક્રમ શરૂ કરવાની દિશામાં યુનિવર્સિટીના પ્રયાસો હોવાનું પણ જણાવ્યું હતું. આ અભ્યાસક્રમ અને તાલીમ શરૂ થતા બાળ દર્દીઓને આશીર્વાદરૂપ નીવડશે, તેમ તેમણે ઉમેર્યુ હતુ.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ , કિડની ઇન્સ્ટિટ્યુટના સંસ્થાપક ડૉ. એચ.એલ.ત્રિવેદીના ધર્મપત્ની શ્રીમતી સ્મીતા ત્રિવેદી અને અન્ય મહાનુભાવોની સહ ઉપસ્થિતિમાં 171 જેટલા ટ્રાન્સપ્લાન્ટ સર્જનો – વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
…………………………………………………