નખત્રાણા ખાતે પશુપાલન શિબિર તેમજ ખસીકરણ ઝુંબેશનો કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે પ્રારંભ કરાયો
પશુઓ અને પશુપાલકોના ઉત્કર્ષ અને સંવર્ધન માટે રાજય સરકાર કટિબદ્ધ છે
– શ્રી રાઘવજીભાઇ પટેલ, કૃષિમંત્રીશ્રી
૦૦૦૦
સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઇને
પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવીએ
શ્રી પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી
નંદીઓના ખસીકરણથી લોકોને કનડતા અનેક પ્રશ્નો નિવારી શકાશે
શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા મતવિસ્તાર ધારાસભ્યશ્રી
ભુજ, શનિવાર:
રખડતા અને બિનવારસુ નંદીઓના કારણે થતાં અકસ્માત, રાહદારીઓના મોત, ખેડૂતોના પાકના ભેલાણ સહિતના પ્રશ્નોના નિવારણ હેતુ સરકારે નંદીઓનું ખસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ નાબૂદ કરવા પશુપાલન વિભાગ તથા સામાજિક સંસ્થાઓના સહકારથી આ મુદે સક્રીય કામગીરી શરૂ કરાઇ છે. જે અનુંસધાને કચ્છથી આ પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે તેવું આજરોજ નખત્રાણા ગૌસેવા કેન્દ્ર ખાતે ખસીકરણ ઝુંબેશની શરૂઆત કરાવતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.
તેઓએ પશુપાલન શિબિર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ખસીકરણ કરવાથી નંદીઓની આક્રમતા ઘટી જશે તેથી અકસ્માતો અને લોકો પરના હુમલા ટાળી શકાશે. ઉપરાંત ખસીકરણ કરેલા નંદીઓને પાંજરોપોળ રાખવા સહમત થઇ હોવાથી સરકારના આ નવતર અભિગમથી લોકોને મોટી રાહત થશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં પશુઓની સંખ્યા વધુ છે ત્યારે સરકાર કચ્છમાં ડોકટરના મહેકમ, પશુ દવાખાના ,રસીકરણ સહિતના દરેક મુદે સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. તેમણે પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા પશુપાલકોને કૃત્રિમ બીજદાનથી ગર્ભાધાન પધ્ધતિનો સહારો લેવા અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, રાજયના ૨૧ જિલ્લામાં ૩૩ લાખથી વધુ કૃત્રિમ ગર્ભાધાનની કામગીરી કરાઇ છે.
આ પ્રસંગે રાજય સરકારની કામગીરી અંગે છણાવટ કરતા તેમણે કહ્યું હતું કે, રાજયના પશુઓના યોગ્ય પોષણ માટે તથા તેને સાચવતી સંસ્થાઓનું ભારણ ઘટે તે માટે સરકારે ગૌમાતા પોષણ યોજના શરૂ કરી છે. જેમાં પશુદિઠ દૈનિક રૂ.૩૦નો ખર્ચ સરકાર આપે છે. આ સાથે સરકારે અત્યારસુધી ૭૨ હજારથી વધુ પશુ આરોગ્ય મેળા આયોજીત કરીને ૨ કરોડથી વધુ પશુઓની સારવાર કરી છે. રાજયમાં ૧૦ ગામ દિઠ હરતા ફરતા પશુદવાખાના કાર્યરત છે. જે અનુસંધાને ૪૬૫ દવાખાનાના માધ્યમથી ૫૩૦૦ ગામડાને આવરી લેવાયા છે. જેનાથી ૪૫ લાખથી વધુ પશુઓની સારવાર અપાઇ છે. સરકાર પક્ષીઓ માટે પણ સંવેદનશીલ હોઇ મકરસંક્રાતિ સમયે કરૂણા અભિયાન ચલાવે છે . ચાલુવર્ષે ૫૦ હજાર પક્ષીઓની સારવાર કરાઇ છે. ખરવા -મોડાસા રોગને નાથવા સક્રીય રસીકરણ અભિયાનમાં શરૂ કરાયું છે.
આ તકે તેમણે ખેડુતો તથા પશુપાલકોને સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી ખેડુતોની આવક બમણી કરવા કટીબધ્ધ છે ત્યારે આ દિશામાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજય સરકાર સક્રીય કામગીરી કરી રહી છે.
કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કચ્છનો વધુ વિકાસ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. ડેમમાં નર્મદાના પાણી નાખવાની યોજના સરકારે મંજૂર કરી છે જેનાથી કચ્છની કાયાપલટ થશે તેવું વધુમાં તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ નખત્રાણા ગૌસેવા કેન્દ્રને રૂ.૧૦,૪૬,૦૪૦ , શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ ભુજને રૂ.૨૪,૫૦,૮૮૦, સંતશ્રી વલ્લભદાસજી પરમાર્થી સેવા ટ્રસ્ટ અંજારને રૂ. ૫,૧૩,૩૬૦, શ્રી કૃષ્ણ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજારને રૂ.૧૦,૨૬,૭૨૦, શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજારને રૂ.૯,૩૮,૪૦૦ નો ચેક અર્પણ કર્યો હતો.
આ સાથે જ પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી સહાય યોજના હેઠળ રૂ.૧૮ હજારનો ચેક સુખપર રોહાના શ્રી ભાવનાબેન પિંડોરીયાને, બકરા એકમની સ્થાપના માટે રૂ.૪૫ હજારનો ચેક ભડલીના શ્રી રવજીભાઇ મહેશ્વરીને , રૂ. ૪૫ હજારનો ચેક શ્રી કાસમ મામદ કાતીયારને તથા રૂ. ૪૫ હજારનો ચેક જડોદરના શ્રી હલીમાબાઇ પડયારને આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, પશુઓના સંર્વધન અને પશુપાલકો માટે સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે. ત્યારે તેનો મહત્તમ લાભ લઇને પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવીએ. તેમણે ખસીકરણ ઝૂંબેશ થકી વાહનચાલકો, રાહદારીઓને ફાયદો થશે અને અકસ્માત અટકશે તેવું જણાવતા તેમણે પશુઓના નિભાવ માટે સરકારે મદદ જાહેર કરતા તે સામાજિક સંસ્થાઓને ખૂબ ઉપયોગી થશે તેવું ઉમેર્યું હતું.
આ તકે અબડાસા મત વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છમાં પશુધન સામે ડોકટરોની ઘટ્ટ હંમેશા રહેતી હોય છે પરંતુ સરકાર આ બાબતે સતત ચિંતા સેવીને કામગીરી કરી રહી છે. આ સાથે ૩ નવા પશુ દવાખાના મંજૂર કરાયા છે,ઉપરાંત કચ્છના સંદર્ભમાં જે પણ રજૂઆત કરવામાં આવે છે તે માટે રાજય સરકાર સંવેદનશીલ બની ઉકેલ લાવે છે. હાલ જયારે ખસીકરણ ઝુંબેશનો કચ્છથી આરંભ કરાયો છે ત્યારે રખડતા નંદીના કારણે સર્જાતા અનેક પ્રશ્નો નિવારી શકાશે.
આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચનશ્રી પશુપાલન વિભાગના નિયામકશ્રી ડો.ફાલ્ગુનીબેન ઠાકરે કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી કરસનસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી જયાબેન ચોપડા, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયસુખ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી સંધ્યાબેન પલણ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, શ્રી નયનાબેન પટેલ, નખત્રાણા તાલુકા ન્યાય સમિતિના ચેરમેનશ્રી લીલાબેન મહેશ્વરી, નખત્રાણા તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સોઢા, નખત્રાણા ગૌસેવા કેન્દ્રના મહામંત્રીશ્રી લાલજીભાઇ રામાણી, સરપંચશ્રી રિધ્ધીબેન વાઘેલા, અગ્રણીશ્રી દિલીપભાઇ નરસંઘાણી, પ્રાંત અધિકારીશ્રી ડો. એમ.બરાસરા, અધિક પશુપાલન નિયામક શ્રી ડો.કિરણ વસાવા, વિભાગીય સંયુકત પશુપાલન નિયામકશ્રી ડો.ભરતસિંહ ગોહિલ, રાજકોટ વિભાગ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. હરેશ ઠક્કર , પશુપાલન વિભાગના ડોકટરશ્રી તથા કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
જિજ્ઞા વરસાણી