અમદાવાદ ડીએસપી આકરા પાણીએ, એક વર્ષથી ‘મિસ્ટર ઇન્ડિયા’ બનેલા 14 પોલીસ કર્મીઓને કર્યાં બરતરફ

સાઠ ગાંઠ કરનાર એક પી.આઈ. સહીત તમામ પર નોંધાશે ગુનો

 

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ડીએસપી અમિત વસાવાએ આજરોજ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના 14 જેટલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, આ મામલે ખોટી હાજરી પુરનાર અને પ્રોત્સાહન આપનાર એક પીઆઈને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બરતરફ થનાર 14 પોલીસ કર્મીઓ ફરજ પર હાજર ન રહેતા SP અમિત વસાવાએ કડક પગલા લીધા છે. સુત્રો મુજબ આ પોલીસકર્મીઓ છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયસર હાજર ન રહેતા તેમના પર કાયદેસરના પગલા લેવામાં આવ્યા છે અને 14 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં એક પીઆઈ સહીત કોનસ્ટેબલ અને અન્ય અધિકરીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓની પોલીસ રેકોર્ડ પર હાજરી હતી પરંતુ ફિઝિકલ રીતે કોઈપણ કામગીરીમાં હાજર ન રહેતા તેમના પર કડક પગલા લેવામાં આવ્યા હોવાના સમાચાર છે.

 

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના મકરબા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા આ 14 પોલીસ કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી નોકરી ઉપર આવતા ન હતા, તેમ છતાં તેમની હાજરી પૂરાતી હતી અને તેમને આખા વર્ષનો પગાર પણ મળી ગયો હતો. આ પોલીસ કર્મચારીઓ સાથે સાઠ ગાંઠ કરી તેમની હાજરી પૂરી પગાર કરનાર રિઝર્વ પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મકરબા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ નોકરી ઉપર આવતા ન હોવાની ફરિયાદો જિલ્લા ડીએસપી અમિત વસાવાને મળી હતી. જેના આધારે તેમણે થોડા દિવસો પહેલા સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં 14 પોલીસ કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી ગેરહાજર નોંધાયા હતા. તમામ પોલીસ કર્મી જુદા જુદા જિલ્લાના રહેવાસી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ પોલીસ કર્મચારીઓ અને રિઝર્વ પીઆઈએ ભેગા મળીને સરકારની તિજોરીને પણ આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. જેથી આ તમામ સામે ગુનો પણ નોંધવામાં આવશે.