*જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો*
જામનગર:સંજીવ રાજપૂત: આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન યોજવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં તા.5મે ના રોજ સવારે 7 વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતેથી રન ફોર વોટ કેમ્પેઇન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી બી. કે પંડયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલીમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ જેવાકે, મતદાન દરેક નાગરિકની ફરજ, મતદાન જરૂર કરો, મારો મત મારો અધિકાર, મારો મત મારુ ભવિષ્ય જેવા પોસ્ટરો અને બેનરો વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા. અને દેશના તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. ક્રિકેટ બંગલો, ટાઉનહોલ, તીનબત્તી સર્કલ, લીમડાલેન થઈને ક્રિકેટ બંગલો ખાતે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી.એ.ઝાલા, જિલ્લા પૂરવઠા અધિકારી બારડ, જિલ્લા રમત વિકાસ અધિકારી બી. જે. રાવલિયા, સ્વીપ નોડલ અધિકારી બી. એન. વિડજા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સરવૈયા, મામલતદાર વિરલ માકડીયા,પદાધિકરીઓ, અધિકારીઓ, સૌરાષ્ટ્ર ઝોન યોગ કોર્ડીનેટર પ્રીતિબેન શુક્લ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ઓથોરીટીના ખેલાડીઓ, જામનગર જિલ્લા હોમગાર્ડ્સ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.