જામનગરમાં પઠાણ ફિલ્મ નો વિહિપ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ, સિનેમાઘરોને ફિલ્મ ન લગાડવા અપાઈ ચીમકી

જીએનએ જામનગર : સમગ્ર દેશમાં હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોચાડે તે પ્રકારની પઠાણ ફિલ્મને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાના નારાઓ સાથે જામનગરની મેહુલ સિનેમેક્સ બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. સિનેમાની બહાર જ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હાઈ હાઈ ના નારાઓ લાગ્યા હતા. આ ઉપરાંત પઠાણ પિક્ચરના પોસ્ટરોને સળગાવીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા મેહુલ સિનેમેક્સ સહિતના સિનેમા ઘરોમાં જઈને સનાતન હિંદુ ધર્મના ભગવા વસ્ત્રો સાથે અપમાનજનક સ્થિતિમાં આવી રહેલા આ પિક્ચરને સિનેમા ઘરોમાં નહીં દેખાડવા ચીમકી આપવામાં આવી છે. સાથે સાથે આ પઠાણ ફિલ્મને જામનગરના સિનેમા ઘરોમાં દેખાડવામાં આવશે તો ઉગ્ર આક્રમક રીતે વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે.

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પઠાણ ફિલ્મના વિરોધ પ્રદર્શનમાં જામનગર ના બજરંગ દળ શહેર સંયોજક હિરેનભાઈ ગંઢા, શહેર સહ સંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગ દળના અર્જુનભાઈ ભદ્રા, મિલન કેન્દ્રના પ્રમુખ હિમાંશુભાઈ ગોસાઈ, પ્રખંડ સંયોજકો અભિજીતભાઈ તિવારી, ધવલભાઈ ગોરી સહિતના અગ્રણી કાર્યકરો જોડાયા હતા.