રાજકોટમાં લુખ્ખારાજ: બે ગાડીમાં સરાજાહેર તોડફોડ.
બેડી યાર્ડ પાસેની ઘટના: લોખંડના પાઇપ સાથે એક શખસે ઇનોવા અને સ્કોડા કારના કાચના ભુકકા બોલાવ્યા: ટોળાં ઉમટયા: પોલીસ દોડી ગઇ
રાજકોટ શહેરમાં પોલીસ હવે સીધા સાદા સજન લોકો માટે જ હોય કે તેમના માટે જ કાયદો બતાવી ડરાવતી હોય તેવું ચિત્ર છે. લુખ્ખાઓ, ટપોરીઓ, ગાંઠીયાદાદાઓ, આવારા તત્વો કે માથાફરેલાઓને માટે પોલીસ જાણે હવે ભાજીમુળા જેવી બની ગઇ હોય તેમ ગમે ત્યારે ગમે ત્યાં સરાજાહેર હુમલા, તોડફોડ કે આવી ઘટનાઓ થઇ પડે છે. આજે બપોરના સમયે બેડી યાર્ડ નજીક એક શખસે રસ્તા પર ઉતરી બે કારમાં લોખંડના પાઇપ ફટકારી તોડફોડ કર્યાના વાયરલ વીડિયોએ ભારે ચકચાર મચાવી છે. આ વીડિયો બાદ પોલીસ રાબેતા મુજબ હરકતમાં આવી હતી.
મોરબી રોડ પર આવેલી એક ખાનગી શૈક્ષણિક સંકુલ નજીક આજે બપોરના સમયે આ શૈક્ષણિક સંસ્થાની વિધાર્થીઓની બસ અથડાઇ હતી. ત્યારબાદ બેડી યાર્ડ નજીકના જાહેર રસ્તા પર જ બઘડાટી બોલી હતી. આ બસ ઉપરાંત અન્ય બેથી ત્રણ કાર એક પછી એક અથડાઇ પડી હતી. બસમાંથી એક શખસ હાથમાં લોખંડનો પાઇપ (ટોમી જેવું હથિયાર) લઇને ઉતરી પડયો હતો. એકલવડિયા બાંધાનો આશરે ૨૫–૩૦ વર્ષની વયનો બ્લુ ટીશર્ટ અને જીન્સ પહેરેલા આ શખસે એકઠા થઇ રહેલા ટોળાની વચ્ચે ભારે ધમાલ મચાવી હતી.
આ શખસે પોતાના હાથમાં રહેલા લોખંડના સાધનથી સફેદ કલરની સ્કોડા કારમાં આગળ પાછળના કાચમાં પાઇપ વડે તોડફોડ કરી હતી. આ ઉપરાંત જીજે–૦૩ડીએન–૫૯૯૪ નંબરની ઇનોવા કારના પણ બન્ને સાઇડના કાચનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો.
અકસ્માતના પગલે આ ગિન્નાયેલા શખસે જાહેરમાં તડાફડી બોલાવી હોવાનું જાણવા મળે છે. આ તોડફોડ સમયે અન્ય વાહનધારકો રાહદારીઓના ટોળા ઉમટયા હતાં. તોડફોડ બાદ પણ આ ઇસમ પાઇપ લઇને કોઇની પાસે ધસી ગયો અને ધમકી આપતો હોય તેવા દ્રશ્યો વાયરલ વીડિયોમાં દેખાયા હતાં. ટોળામાંથી કોઇએ આ ઇસમને અટકાવવાની પણ હિંમત કરી ન હતી. કોલેજની અન્ય બસોમાં રહેલા છાત્રોમાં પણ થોડીવાર ભયનો માહોલ ઉદભવ્યો હતો. બનાવના પગલે કુવાડવા રોડ પોલીસ દોડી ગઇ હતી અને સમગ્ર ઘટનામાં શું બન્યું ? શું નહીં તેની પુછતાછ સાથે એક શખસને પકડી લઇ પોલીસ સ્ટેશને જવા રવાના થયા હતાં.