દેવાયત ખવડની ધરપકડ નહીં થાય તો તેના મારથી ઘાયલ મયુરસિંહ રાણાનો પરિવાર આંદોલનના માર્ગે
પોલીસ સાથેની સાંઠગાંઠને કારણે અત્યારે દેવાયત છૂટો ફરી રહ્યો હોવાનો પરિવારનો આક્ષેપ: દેવાયત ઉપર અગાઉ ચોટીલા પોલીસ મથકમાં મારામારી-હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધાઈ ચૂક્યો છે
સર્વેશ્વર ચોકમાં ભરબપોરે મયુરસિંહ સંપતસિંહ રાણા નામના યુવાનને આંતરી તેના ઉપર પાઈપ સાથે તૂટી પડેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિતના શખ્સો હજુ પણ પોલીસના હાથમાં આવતાં ન હોય ઘાયલ યુવાનના પરિવારજનોની ધરપત ખૂટી રહી છે. બીજી બાજુ આજે મયુરસિંહ રાણાના પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજીને એવી ચીમકી આપી હતી કે જો ઝડપથી દેવાયત ખવડની ધરપકડ કરવામાં નહીં આવે તો અમારો આખેઆખો પરિવાર આંદોલનનો માર્ગ અપનાવશે.
મયુરસિંહ રાણાના પરિવારજનોએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે ગત તા.7/12ના રોજ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેની સાથે આવેલા શખ્સે પાઈપ વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં એ-ડિવિઝન પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત મયુરસિંહના પરિવારજનો અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હતી.
જો કે પોલીસ સાથે દેવાયત ખવડને સાંઠગાંઠ હોવાને કારણે તે હજુ સુધી મુક્ત ફરી રહ્યો છે તેથી દેવાયતની તાત્કાલિક ધરપકડ કરવી જરૂરી બની જાય છે. જો દેવાયતની જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ હોત તો પોલીસે અત્યારે તેને પકડીને કાયદાનું ભાન પણ કરાવી દીધું હોત. પરિવારજનોએ એમ પણ કહ્યું કે દેવાયત અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકમાં દેવાયત વિરુદ્ધ મારામારી, હુમલો, ધમકી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.
દેવાયતને ગુજરાતના અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ ગાઢ સંબંધ છે એટલે કોઈને કોઈ પડદા પાછળ તેને સાથ આપી રહ્યું છે. જે લોકોએ હાલ દેવાયતને આશરો આપ્યો હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની જાય છે. દેવાયત તેના ઘર પાસે આવેલી શેરીમાંથી પસાર થતી યુવતીઓની પજવણી કરતો હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો હતો.
પોલીસ પુત્રને દેવાયત જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાનો વાયરલ વીડિયો બે વર્ષ જૂનો
લોકસાહિત્યકાર દેવાયત ખવડ યુવાન પર હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો છે ત્યારે સોશ્યલ મીડિયામાં તેને લઈને તરેહ તરેહના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં દેવાયત ખવડ પોલીસ પુત્રને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થતાં પોલીસે આ મામલે ચોખવટ કરી છે કે ઉપરોક્ત વીડિયો બે વર્ષ જૂનો મતલબ કે 2020નો છે. પોલીસ દેવાયતને બિલકુલ છાવરી રહી નથી અને તેને પકડવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે જેથી આ પ્રકારના વીડિયો વાયરલ કરીને અફવા ફેલાવીને પોલીસની છબી ખરાબ કરનારા લોકો સામે પોલીસ આકરી કાર્યવાહી કરશે.