જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતીમાં ભુજમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ.
દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ બનવા કરાયો અનુરોધ
ભુજ,બુધવાર કચ્છ કલેકટરશ્રી દિલીપ રાણાની ઉપસ્થિતિમાં આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે માજી સૈનિકો હાજરીમાં સશસ્ત્ર સેવા ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી.
શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા “સશસ્ત્ર સેના ધ્વજદિન” આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. દર વર્ષે તા.૦૭ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્તરે સંપુર્ણ ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ત્યારે આજરોજ માજી સૈનિકોની હાજરીમાં કચ્છ કલેકટરે પ્રથમ ડોનેશન આપીને સમગ્ર કચ્છવાસીઓને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી.
લોકો દ્વારા અપાયેલો ફાળો માજી સૈનિકો, સ્વર્ગીય સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકારશ્રી દ્વારા ધડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે, આથી મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રી ભરતસિંહ કે. ચાવડાએ પણ સર્વેને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, આ ફાળો હાથોહાથ રોકડમાં અથવા ચેક/ડિમાન્ડ ડ્રાફટથી “Collector & President Armed Forces Flag Day Fund Bhuj” ના નામનો બનાવીને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ૧૧૪,બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-૨, ભુજ(કચ્છ)માં જમા કરાવવાનો રહે છે. અથવા અત્રેની કચેરીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(મેઈન શાખા), ભુજ (૦૩૩૪)ના ખાતા નં. ૩૨૨૭૪૬૫૮૩૮૦માં કોર બેંકીંગથી જમા કરાવીને તેની જાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીને કરી શકો છો. અત્રે આ બાબતે સર્વે દાતાઓને ફાળો આપવા બદલ સરકારી પહોંચ આપવામાં આવશે. તેમજ સશસ્ત્રસેના ધ્વજદિન માટેનો ફાળો વર્ષ દરમિયાન કોઇપણ દિવસે ૩૧ માર્ચ પહેલાં જમા કરાવી શકાય છે. ….જિજ્ઞા વરસાણી