1971 માં પાકિસ્તાનના દાંત ખાટા કરતી ગાથાનું વર્ણન: વાલસુરા બીટિંગ રિટ્રીટ સમારોહ.
જીએનએ જામનગર 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના કરાંચી હાર્બરને નસતેનાબુદ કરી વિજય મેળવી ભારતીય નૌકાદળ વિજયના ઉત્સાહ સાથે પરત ફરી હતી જે વિજય ઉત્સવ અને શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે 4 ડિસેમ્બરના રોજ નેવી દિવસ ઉજવાય છે અને તેના ભાગરૂપે જામનગરના આઈએનએસ વાલસુરા ખાતે બીટિંગ રિટ્રીટનો સમારોહ યોજાયો હતો.
ભારતીય નૌકાદળ જેની સાહસ અને શૌર્યભરી ગાથાને યાદ કરવાનો દિવસ એટલે 4 ડિસેમ્બર ગણાય છે. 1971 નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ જેમાં ભારતીય નૌકાદળે મહત્વની ભૂમિકા ભજવી હતી. 3 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનએ ભારત પર હુમલો કરતા તારીખ 4 ના રોજ ઓપરેશન ટ્રાઇડેન્ટ લોન્ચ થયું અને નૌકાદળે કરાંચી હાર્બરને નસતેનાબુદ કરી વિજય મેળવ્યો.
2 વાર સતત આ ઓપરેશન કરવામાં આવ્યું અને કરાંચી બંદરને તબાહ કરવામાં આવ્યો જેની યાદોને તાજા રાખવા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વર્ષો જૂની પરંપરા મુજબ બીટિંગ રિટ્રીટનું આયોજન કરવામાં આવે છે. જામનગરના આઈએનએસ વાલસુરા બીટિંગ રિટ્રીટ અને સંધ્યા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોમાં ઉત્સાહ અને જોશ પૂરતી નેવી બેન્ડની અલગ અલગ ધૂન, શારીરિક ક્ષમતાનું પ્રદર્શન, અગ્નિ જવાળાથી પ્રજ્વલિત મશાલ કરતબ અને આગની રીંગમાંથી પસાર થવાના દિલધડક કરતબનું પ્રદર્શન નેવીના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
એનસીસી કેડેટ્સ દ્વારા બેન્ડ રજુઆત, માનવ પિરામિડ, વોલ્ટ ડિસ્પ્લે, કનટીન્યુટી ડ્રિલ વગેરે સમારોહના મુખ્ય આકર્ષણો રહ્યા હતા જેને જોતા લોકો મોંમાં આંગળા નાખી તાળીઓના ગડગડાટ સાથે રોમાંચિત થયા હતા.
આ સમારોહમાં દક્ષિણ પશ્ચિમના વાયુ કપ્તાન, વરિષ્ઠ કમાન અધિકારીઓ, જામનગર એસપી પ્રેમસુખ ડેલું, સહિત મહાનુભાવો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સેન્ડ આર્ટિસ્ટ દ્વારા આ આખી ગાથાને રેતીની પ્રતિકૃતિ દ્વારા રજૂ કરી લોકોમાં જોશનો સંચાર કર્યો હતો. આ સમારોહ વિશે વધુ માહિતી કોમોડોર જે એસ ધનોઆ, કમાન્ડિંગ ઓફિસર આઈએનએસ વાલસુરા દ્વારા આપવામાં આવી હતી.