કણકોટ ઈ.વી.એમ. રિસિવિંગ સેન્ટરમાં ત્રિ-સ્તરીય સુરક્ષા જિલ્લા ચૂંટણી અધિકારી, પોલીસ કમિશનર દ્વારા સમીક્ષા
પરિસરના ગેટ પાસે પોલીસ સ્ટાફ, વચ્ચે હથિયારધારી એસ.આર.પી. જવાનો અને સ્ટ્રોંગરૂમ પાસે પેરામિલિટ્રી ફોર્સના હથિયારધારી જવાનો ખડેપગે
રાજકોટ તા. ૦૨ ડિસેમ્બર – રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોનું મતદાન સંપન્ન થયા બાદ, તમામ ચૂંટણી અધિકારીશ્રીઓના નિરિક્ષણમાં તેમના મત વિસ્તારોના ઈ.વી.એમ.ને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે બનાવાયેલા રિસિવિંગ સેન્ટરના સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે અહીં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુ તેમજ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ સહિતની ટીમે આજે રીસીવિંગ સેન્ટર પરિસર તેમજ સ્ટ્રોંગ રૂમોની મુલાકાત લઈને સલામતી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
કણકોટ એન્જિનિયરિંગ કોલેજના પરિસરમાં સૌ પ્રથમ પોલીસના જવાનો તહેનાત રખાયા છે. બાદમાં બીજા સ્તરે હથિયારધારી એસ.આર.પી. જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે સ્ટ્રોંગરૂમોની પાસે પેરામિલિટ્રી ફોર્સના હથિયારધારી જવાનો સતત ખડેપગે રહે છે. પૂર્વ મંજૂરી અને અધિકૃત વ્યક્તિઓને પણ રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા સિવાય કોઈને પણ અહીં પ્રવેશ આપવામાં આવતો નથી.
દરમિયાન ૮મી ડિસેમ્બરે મત ગણતરીના દિવસે સમગ્ર કામગીરી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જ્યારે શહેર પોલીસ કમિશનરશ્રીએ કણકોટ એન્જિનિયરિંગ કોલેજમાં ગોઠવાયેલી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ કચાસ ન રહી જાય તે જોવા સુરક્ષા અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. આ તકે જનરલ ઓર્બ્ઝવરશ્રી નિલમ મીણા અને શ્રી સુશીલકુમાર પટેલ, શ્રી મિથિલેશ મિશ્રા તેમજ સ્પેશયિલ પોલીસ કમિશનરશ્રી સૌરભ તોલંબિયા, નાયબ પોલીસ કમિશનરશ્રી સુધીર દેસાઈ, અધિક ચૂંટણી અધિકારીશ્રી એસ. જે. ખાચર વગેરે સાથે રહ્યા હતા.