રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોના ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમમાં સીલ કરવા ચૂંટણીતંત્ર દ્વારા આખીરાત કામગીરી

આઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ, સ્ટાફ, પોલીસના જવાનો સહિતનો કાફલો ખડેપગે રહ્યો

રાજકોટ તા. ૦૨ ડિસેમ્બર – રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં મતદાનની પ્રક્રિયા ૧ ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થયા બાદ ઈ.વી.એમ.ને સલામત રીતે સ્ટ્રોંગરૂમમાં સીલ કરવાની જહેમતભરી કામગીરી શરૂ થઈ હતી. તમામ ચૂંટણી અધિકારીઓ, ચૂંટણી સ્ટાફ, પોલીસ અને પેરા મિલિટરી ફોર્સના જવાનોએ આખી રાત કવાયત હાથ ધરીને આ કામગીરીને પૂર્ણ કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન મુજબ, આઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓના નિરિક્ષણમાં મતદાન પછી ઈ.વી.એમ. સૌથી પહેલાં જી.પી.એસ.વાળા વાહનોમાં ડિસ્પેચિંગ સેન્ટર પર લવાયા હતા. બાદમાં ત્યાંથી હથિયારધારી પોલીસની ચુસ્ત સુરક્ષા સાથે આ ઈ.વી.એમ. કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે બનાવાયેલા રિસિવિંગ સેન્ટરમાં રાતોરાત પહોંચાડાયા હતા. આ દરમિયાન ઈ.વી.એમ.વાળા વાહનોનું સતત ટ્રેકિંગ પણ થયું હતું. બાદમાં તેને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા હતા.

 

૬૮-રાજકોટ પૂર્વના ચૂંટણી અધિકારીશ્રી સુરજ સુથાર, ૬૯-રાજકોટ પશ્ચિમના ચૂંટણી અધિકારી ડૉ. સંદીપ વર્મા, ૭૦-રાજકોટ દક્ષિણના ચૂંટણી અધિકારીશ્રી કે.જી. ચૌધરી, ૭૧-રાજકોટ ગ્રામ્યના ચૂંટણી અધિકારીશ્રી વિવેક ટાંક, ૭૨-જસદણના ચૂંટણી અધિકારીશ્રી રાજેશ આલ, ૭૩-ગોંડલના ચૂંટણી અધિકારીશ્રી કે.વી. બાટી, ૭૪-જેતપુરના ચૂંટણી અધિકારીશ્રી નિમેશ પટેલ તેમજ ૭૫-ધોરાજી જે. એન. લિખિયા અને તેમની ટીમના સહાયક ચૂંટણી અધિકારી, નાયબ મામલતદારો વગેરે આ કામગીરી માટે આખીરાત તહેનાત રહ્યા હતા. બીજી ડિસેમ્બરે સવારે આશરે સાડા પાંચ વાગ્યા આસપાસ ઈ.વી.એમ.ને આઠ અલગ-અલગ સ્ટ્રોંગરૂમમાં સીલ કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી.

ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમમાં સીલ થયા બાદ બહાર પેરા મિલિટરીફોર્સના હથિયારધારી જવાનોને સુરક્ષાની કમાન સોંપાઈ છે. જ્યારે પરિસરમાં એસ.આર.પી.ના હથિયારધારી જવાનો તેમજ ગેટ પર પોલીસના જવાનોની સુરક્ષા ગોઠવવામાં આવી છે. હવે ૮મી ડિસેમ્બર-મતગણતરીના દિવસ સુધી આ સ્ટ્રોંગરૂમની બહાર હથિયારધારી જવાનોની કિલ્લેબંધી રહેશે.