ચૂંટણી સ્ટાફને મતદાન પછીના બીજા દિવસે વધારાની રજા મળશે
ચૂંટણી ફરજનો સમયગાળો ગણીને ઓન ડ્યુટી રજા માટે પંચનો આદેશ
મતદાનના દિવસે ઓફિસ, કારખાના, દુકાન વગેરેમાં કામ કરતા કર્મચારીઓ, કામદારોને મતદાન માટે સવેતન રજા આપવા માટેની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા અગાઉ કરવામાં આવી છે. પરંતુ આ ચૂંટણીમાં પ્રથમ વખત સ્ટાફને મતદાન પછીના દિવસે વધારાની એક રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના નાયબ સચિવ નીતિન આચાર્ય દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે મતદાન અથવા તો પુનઃ મતદાનના બીજા દિવસે ચૂંટણી સ્ટાફને ફરજ પર ગણીને રજા આપવાની રહેશે.
રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મત વિભાગના ચૂંટણી અધિકારીઓને પાઠવેલા આ પરિપત્રમાં જણાવ્યું છે કે આગામી તારીખ એક અને પાંચ ડિસેમ્બરના રોજ અનુક્રમે પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાવાની છે. સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પૂરું થયા બાદ રીસીવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી સોપવા માટે પહોંચતા હોય છે. ચૂંટણી સ્ટાફના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી મતદાનના બીજા દિવસે તેમને કચેરીમાં હાજરી આપવાની જરૂર નથી અને તેમને ફરજ પર હાજર ગણવાના રહેશે.
પંચની આ સૂચના મુજબ પ્રથમ તબક્કામાં 89 બેઠક માટે તારીખ 1 ડિસેમ્બરના મતદાન થવાનું છે અને તેના ચુંટણી સ્ટાફને તારીખ 2 ડિસેમ્બરના રજા રહેશે. જ્યારે તારીખ 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાનમાં કર્મચારીઓને તારીખ 6 ડિસેમ્બરના રજા રહેશે.