મુન્દ્રા બી.એડ. કોલેજના સિનિયર ક્લાર્ક વયનિવૃત્ત થતા વિદાયમાન અપાયું

વિદ્યાર્થીઓના પ્રવેશથી પરિણામ સુધીની ચોકસાઈ પૂર્વકની કામગીરીને બિરદાવાઈ

 

મુન્દ્રા, તા.20: મુન્દ્રાની આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ. ડી. શેઠીયા બી.એડ. કોલેજના સિનિયર ક્લાર્ક વિમલભાઈ પ્રાણલાલ જોબનપુત્રા વયનિવૃત થતા તેમને વિદાયમાન આપવાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. જેમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગીત બાદ સમારંભના અધ્યક્ષ કોલેજના પ્રિન્સિપાલ ડો. લાલજીભાઈ વી. ફફલે પ્રસંગ પરિચય આપતા નિરાળુ અને અનમોલ વ્યક્તિત્વ ધરાવતા વિમલભાઈની વિદ્યાર્થીઓના પ્રવેશથી પરિણામ સુધીની સતત 37 વર્ષ સુધી સંતોષકારક રીતે ચોકસાઈ પૂર્વકની કરેલ કામગીરીને બિરદાવતા મિત્રથી સંસ્થાના સહકર્મી સુધીની સફરના સંસ્મરણો વાગોળતા એ સમયમાં મુન્દ્રા જ્યારે નાનું ગામડું હતું ત્યારે કોલેજના મહત્વના પ્રોજેક્ટ અને સંશોધનોના લખાણને ટાઈપ કરી સચોટ ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કામગીરીની સરાહના કરતા એક કુશળ ટાઈપિસ્ટ તરીકે તેમને જોવા એ પણ એક લ્હાવો હતો. જ્યારે આધુનિક યુગમાં સમયની સાથે તાલ મિલાવતા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઇન એડમિશન સ્કોલરશીપ જેવા વહીવટી કાર્યો બખૂબી નિભાવી જાણે છે એમ જણાવી બારોઇ શાળાના આચાર્ય પ્રાણલાલ ઠક્કરના પુત્ર વિમલભાઈની પુત્રી નિકિતાબેન પણ પ્રાથમિક શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે શિક્ષણના ક્ષેત્રે તેમના પરિવારની વર્ષોની સેવાભાવનાની નોંધ લઈ તેમનું નિવૃત્તજીવન તંદુરસ્ત અને નીરોગી રીતે પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

કોલેજના હૃદય સમાન કાર્યલયને સતત ધબકતું રાખનાર વિમલભાઈની નિવૃત્તિથી સંસ્થાને ખોટ પડશે પરંતુ કોલેજમાંથી નિવૃત્ત થયા બાદ સામાજિક સેવા ક્ષેત્રે તેઓ સતત પ્રવૃત્તિ રહે એવી શુભેચ્છા પ્રાધ્યાપક ડો. દીપકભાઈ આર. પંડ્યાએ આપી હતી. ભૂતપૂર્વ સિનિયર ક્લાર્ક અને વિમલભાઈના માર્ગદર્શક રાજુભાઈ જાનીએ તેમની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવતા જુની યાદો તાજી કરી હતી.

કોલેજ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય તથા લોહાણા સમાજની શિક્ષણ સમિતિમાં સેવા આપનાર બહુમુખી વ્યક્તિત્વ અને અતિસરળ સ્વભાવના વિમલભાઈની સેવાભાવનાની પ્રશંસા કરતા કોલેજના પ્રોફેસર ડો. કૈલાશભાઈ નાંઢા, ડો. દિનેશભાઈ પટેલ, ડો. હિતેષભાઈ કગથરા, કમલાબેન કામોલ, શશીકાંત નાંઢા, હિંમતભાઈ સોલંકી તથા તાલીમાર્થી ભાઈ – બહેનોએ વિદાય પ્રસંગના વક્તવ્ય આપીને પુષ્પગુચ્છ, પ્રશસ્તિપત્ર, મોમેન્ટો જેવી પ્રતિક ભેટ આપીને તેમનું સન્માન કર્યું હતું.

વિદાય લઇ રહેલા વિમલભાઈએ પોતાના 37 વર્ષના કાર્યકાળ દરમિયાન પાંચ આચાર્યો સાથે કરેલ કામગીરીને યાદ કરતા સંસ્થા અમે સ્ટાફના સહકારથી નોકરીના વર્ષો કેમ પસાર થઈ ગયા એ ખબર જ ન પડી એમ જણાવી ગદગદિત સ્વરે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર ડો. દીપકભાઈ પંડ્યા અને આભારવિધિ ઉર્જાબેન તન્નાએ કરી હતી.