ડિફેન્સ એક્સ્પો-2022નો શુભારંભ કરતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી.
◼️ભારત પહેલા કબૂતર છોડતું હતું, આજે ચિતા છોડી રહ્યું છે. : નરેન્દ્ર મોદી
જીએનએ ગાંધીનગર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-2022 નો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ તથા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિફેન્સ એક્સપોને નૂતન ભારતની ભવ્ય તસવીર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ભારતની માટીમાં, ભારતીય લોકોના પરસેવાથી સિંચાયેલા ઉત્પાદનો, કંપનીઓ, વૈજ્ઞાનિકો અને યુવાઓનું સામર્થ્ય લોહપુરુષ સરદાર પટેલની આ ધરતી પરથી સમગ્ર દુનિયાને ભારતના સામર્થ્યનો પરિચય કરાવી રહ્યા છે. તેમણે ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા ગુજરાત પધારેલી તમામ કંપનીઓને આહવાન કરતાં કહ્યું હતું કે, સશક્ત અને વિકસિત ભારતના આપણા સપનાને સાકાર કરો, હું તમારી સાથે છું. આપની ઉજ્જવળ આવતીકાલ માટે હું મારી આજ આપને અર્પણ કરવા માટે તત્પર છું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિફેન્સ એક્સ્પો-2022માં ભાગ લેવા પધારેલા મહેમાનોનું ગુજરાતની ધરતીના દીકરા તરીકે સ્વાગત કરતાં કહ્યું હતું કે, સશક્ત, સમર્થ અને આત્મનિર્ભર ભારતના આ મહોત્સવમાં ગુજરાતની ધરતી પર પધારેલા સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે. તેમણે કહ્યું હતું કે, આ આયોજનમાં નવા ભારતની ભવ્ય તસવીર દેખાય છે, જેનો શુભારંભ અમૃતકાળમાં થયો છે. ડિફેન્સ એક્સ્પો-2022ને તેમણે રાષ્ટ્રના વિકાસ, રાજ્યોના સહયોગ, યુવાનોની શક્તિ, યુવાનોના સપના, યુવાનોની સંકલ્પબદ્ધતા, યુવાનોની સાહસિકતા અને યુવાઓના સામર્થ્યના અવસર તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડિફેન્સ એક્સપો પ્રત્યે વિશ્વને ઘણી ઘણી આશાઓ છે. મિત્ર દેશો માટે સહયોગના અનેક અવસરો પણ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારતમાં આ પહેલાં પણ ડિફેન્સ એક્સપોના આયોજનો થયા છે, પરંતુ ગુજરાતના આંગણે થયેલું આ આયોજન અભૂતપૂર્વ છે. આ એવો પ્રથમ એક્સપો છે જ્યાં માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. મેડ ઇન ઇન્ડિયાના રક્ષા ઉપકરણો અહીં પ્રદર્શિત થઈ રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે આ એક્સ્પોમાં 1300 થી વધારે પ્રદર્શકો, 100 થી વધારે સ્ટાર્ટઅપ્સ અને એમ.એસ.એમ.ઈ ભાગ લઈ રહ્યા છે. આજે સમગ્ર દેશ અને દુનિયાના અન્ય દેશો ભારતની ક્ષમતા અને સંભાવનાની ઝલક એકી સાથે જોઈ રહ્યા છે. ડિફેન્સ એક્સપો-2022 દરમિયાન 450 થી વધુ એમઓયુ અને એગ્રીમેન્ટ પર હસ્તાક્ષરો થશે. તેમણે કહ્યું હતું કે, ડિફેન્સ એક્સપો-2022નું આયોજન થોડું પહેલા વિચારાયું હતું પરંતુ દુનિયામાં સર્જાયેલી કેટલીક પરિસ્થિતિઓને કારણે વિલંબ થયો પરંતુ હવે દેશમાં આજે નવા ભવિષ્યનો સશક્ત શુભારંભ થયો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, દુનિયાના વિભિન્ન દેશો સકારાત્મક વિચારસરણી સાથે ભારત સાથે જોડાયા છે. 53 આફ્રિકન મિત્ર દેશો ખભેખભા મિલાવીને આપણી સાથે ઉભા છે. ડિફેન્સ એક્સપો-2022ના આ અવસરે ઇન્ડિયા-આફ્રિકા વચ્ચે ડિફેન્સ ડાયલોગનો પણ આરંભ થવા જઈ રહ્યો છે એમ કહીને તેમણે કહ્યું હતું કે, ભારત અને આફ્રિકન દેશો વચ્ચેની મિત્રતા અને સંબંધો સમય સાથે વધુ મજબૂત બનીને વિકસી રહ્યા છે. બંને વચ્ચે સંબંધોના નવા આયામો વિસ્તર્યા છે. ગુજરાત અને આફ્રિકન દેશો વચ્ચે આત્મીય સંબંધો રહ્યા છે એમ કહીને તેમણે કહ્યું હતું કે, આફ્રિકાની આધુનિક ટ્રેનના પાયામાં કચ્છના કામદારોનું યોગદાન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આફ્રિકામાં આજે પણ ‘દુકાન’, ‘રોટી’ અને ‘ભાજી’ જેવા શબ્દો આફ્રિકાના જનજીવન સાથે જોડાઈ ગયા છે આ શબ્દો ગુજરાતી છે. પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ગુજરાત છે તો આફ્રિકા તેમની પહેલી કર્મભૂમિ રહ્યું છે. આફ્રિકન દેશો સાથેની આત્મીયતા અને અપનાપન ભારતની વિદેશ નીતિના પાયામાં છે. કોરોનાના સમયમાં ભારતે આફ્રિકન મિત્ર દેશોને વેક્સિન અને દવાઓ પહોંચાડવામાં પ્રાથમિકતા આપી હતી. આજે ભારત અને આફ્રિકન દેશો વચ્ચે રક્ષા ક્ષેત્રમાં સહયોગ અને સમન્વય આ સંબંધોને નવી ઊંચાઈ આપશે.
આજે ગ્લોબલાઇઝેશનને કારણે ભારત પાસેથી વિશ્વને અપેક્ષાઓ વધી છે, તો સાથોસાથ વિશ્વને વિશ્વાસ પણ છે કે ભારત હર કોશિશમાં કામિયાબ થશે. ભારત પાછું નહીં પડે. આ ડિફેન્સ એક્સ્પો એક રીતે વૈશ્વિક વિશ્વાસનું પ્રતિક પણ છે. ડિફેન્સ એક્સપોમાં ભાગ લઈ રહેલા રાષ્ટ્રના પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં આ એક્સપોના ભવ્ય આયોજન માટે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશ અને દુનિયામાં વિકાસથી લઈને ઔદ્યોગિક સામર્થ્ય સુધી ગુજરાતે પોતાની વિશેષ ઓળખ ઉભી કરી છે. ડિફેન્સ એક્સપોથી ડિફેન્સ પ્રોડક્શનના ક્ષેત્રે ગુજરાતની ઓળખને ચાર ચાંદ લાગ્યા છે, ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ આપી છે. ગુજરાત ડિફેન્સના ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બનશે. આ ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન વધશે તેવો મને પૂર્ણ વિશ્વાસ છે.
ડીસા એરબેઝનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડીસાવાસીઓ અને આ પ્રદેશના લોકોમાં આ શુભારંભથી નવા ઉત્સાહના દર્શન થયા છે. તેમણે કહ્યું હતું કે, ડીસા એરસ્ટ્રીપ દેશની સુરક્ષાના ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવશે. આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર 130 કિલોમીટરના અંતરે આકાર લેનારા ડીસા એરબેઝથી ભારતીય વાયુસેના દેશની પશ્ચિમી સીમા પર કોઈ પણ દુ:સાહસનો વધુ બહેતર જવાબ આપી શકશે. તેમણે ગુજરાતી ભાષામાં અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ડીસાના ભાઈઓ-બહેનોને હું ગાંધીનગરથી અભિનંદન પાઠવું છું કે, આ એરબેઝથી આ વિસ્તારનો સિતારો ચમકી ગયો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડીસા એરફિલ્ડ માટે જમીન ફાળવી હતી. તે વખતે તેમણે ડીસા એરબેઝના નિર્માણ માટે અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ તત્કાલીન કેન્દ્ર સરકારોએ આ નિર્ણયને ફાઈલોમાં દબાવી દીધો હતો. આ વાતોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, તત્કાલીન કેન્દ્ર સરકારે 14 વર્ષ સુધી આ મહત્વના વિષય ઉપર કોઈ જ નિર્ણય ન કર્યો અને એવા પ્રશ્નો ઊભા કર્યા કે પ્રધાનમંત્રી થયા પછી પણ તેના ઉકેલ માટે ઘણો સમય ગયો. આજે ડીસા એરબેઝથી ભારતીય વાયુ સેનાની અપેક્ષાઓ પૂરી થઈ રહી છે. તેમણે આ માટે એરફોર્સને પણ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, આ એરબેઝથી દેશની સુરક્ષા માટે બનાસકાંઠા અને પાટણ મહત્વનું કેન્દ્ર બનશે. અત્યાર સુધી બનાસકાંઠા અને પાટણ સૌર શક્તિ, સોલાર એનર્જી માટેનું મહત્વનું કેન્દ્ર હતા. આજે બનાસકાંઠા અને પાટણ દેશ માટે વાયુશક્તિનું પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યા છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, સશક્ત રાષ્ટ્ર માટે ભવિષ્યમાં સુરક્ષાના પરિણામો કેવા હોવા જોઈએ એનું આકલન જરૂરી છે. સ્પેસ ટેકનોલોજીનો વિકાસ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમણે કહ્યું હતું કે, ત્રણેય સેનાઓ દ્વારા સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં વિભિન્ન પડકારોની ઓળખ કરવામાં આવી છે. વિસ્તૃત સમીક્ષા થઈ છે અને તેના સમાધાન માટે મિશન ડિફેન્સ સ્પેસ હાથ ધરવામાં આવ્યું છે. આ ક્ષેત્રમાં કામ કરતા ખાનગી ક્ષેત્રોને તેમના સામર્થ બતાવવાના આ મોટા અવસર તરીકે તેમને આહવાન કર્યું હતું. સ્પેસમાં ભારતની શક્તિ સીમિત ન રહે, ભારતના આ મિશન અને વિઝનનો લાભ અન્ય દેશોને પણ મળે તે જરૂરી છે. સ્પેસ ટેકનોલોજીની ઉદાર વિચારસરણી અને નવી પરિભાષા નવી સંભાવનાઓને જન્મ આપી રહી છે. ભારતની સ્પેસ ટેકનોલોજીનો લાભ આફ્રિકા સહિત અનેક દેશોને મળી રહ્યો છે. સાઉથ એશિયા સેટેલાઈટ-સ્પેસ સાયન્સના વિકાસથી આશિયાનના દેશોને પણ રીયલ ટાઇમ એક્સેસ મળી રહ્યો છે. આપણા સેટેલાઈટના ડેટાનો ઉપયોગ કરીને સમુદ્રી વ્યાપાર પણ વધુ બહેતર બન્યા છે. સ્પેસ ટેકનોલોજીને આપણે નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છીએ. ડિફેન્સ એક્સપો-2022 નવા સંકલ્પોને ઊંચાઈઓ આપશે. દેશની કમાન આજે યુવાઓના હાથમાં છે. આ ડિફેન્સ એક્સપો ભારતના યુવાનોના ભવિષ્યની ચાવી છે.
ઇન્ટેન્શન, ઇનોવેશન અને ઇમ્પલિમેન્ટેશન આ ત્રણેય ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં ડિફેન્સ ક્ષેત્રે ભારતની ઓળખ સૌથી મોટા આયાતકાર તરીકે રહી છે, પરંતુ મેક ઇન ઇન્ડિયા આજે રક્ષાક્ષેત્રની સૌથી મોટી સક્સેસ સ્ટોરી બન્યું છે. આજે રક્ષાક્ષેત્રમાં ભારતની નિકાસ આઠ ગણી વધી છે. ભારત 75 થી વધુ દેશોમાં રક્ષાસામગ્રી અને ઉપકરણોની નિકાસ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, વર્ષ 2021-22માં રક્ષાક્ષેત્રે ડિફેન્સ નિકાસ 1.59 બિલિયન ડોલર એટલે કે 13,000 કરોડ રૂપિયાએ પહોંચી છે. આગામી પાંચ વર્ષમાં પાંચ બિલિયન ડોલર એટલે કે રૂપિયા 40,000 કરોડ સુધી રક્ષાક્ષેત્રની નિકાસ પહોંચાડવાનું લક્ષ્ય છે. આજે ભારતની રક્ષા ઉત્પાદન કંપનીઓ ગ્લોબલ સપ્લાયચેનનો મહત્વનો ભાગ બની છે. ભારતના સ્ટેટ ઓફ ધ આર્ટ ‘તેજસ’ આધુનિક ફાઈટર પ્લેનની વૈશ્વિક માંગ છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઇટાલી જેવા દેશોમાં પણ રક્ષા ઉપકરણોના પાર્ટ્સ સપ્લાય કરી રહ્યા છીએ. ભારતનું ‘બ્રહ્મોસ’ મિસાઈલ આજે વિશ્વમાં સૌથી વધુ ઘાતક અને સૌથી વધુ આધુનિક મનાઈ રહ્યું છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ અનેક દેશોની પસંદગીમાં અગ્રસ્થાને છે. મેડ ઇન ઈન્ડિયાની ટેકનોલોજીના પ્રતીકસમુ ‘આઈએનએસ વિક્રાંત’ જહાજ ભારતનું સૌથી ગૌરવશાળી ઉદાહરણ છે. આધુનિક એન્જિનિયરિંગનું વિશાળ અને વિરાટ માસ્ટરપીસ એવું ‘આઈએનએસ વિક્રાંત’ સ્વદેશી ટેક્નિકનો માસ્ટરપીસ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વાયુ સેનાનું ‘પ્રચંડ’ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર અને થલસેનાની ‘કોમ્બેટગન’ ભારતીય ઉત્પાદનોમાં શિરમોર છે. ગુજરાતના હજીરામાં ઉત્પાદિત આધુનિક હથિયારો સીમાની સુરક્ષા કરી રહ્યા છે. ભારત સરકારની નીતિ, રિફોર્મ્સ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ આ માટે મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રક્ષાબજેટના 68% ભારતીય કંપનીઓને ફાળવાઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, પહેલાં રાજકીય ઈચ્છાશક્તિથી ભારતીય સેના માટે નિર્ણયો લેવાઇ રહ્યા હતા, આજે સૈન્યની ઈચ્છાશક્તિથી ભારતમાં નિર્ણયો લેવાઈ રહ્યા છે. રક્ષા મંત્રાલયમાં રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે 25% બજેટની ફાળવણી કરાઈ રહી છે. દેશની યુવા પેઢીમાં મને વિશ્વાસ છે એમ કહીને તેમણે કહ્યું હતું કે, દેશની સુરક્ષા માટે વધુને વધુ સામગ્રી દેશમાં જ બનશે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સેનાઓ સૈન્ય સામગ્રીની ખરીદી માટે બે લિસ્ટ તૈયાર કરે છે. એક લિસ્ટ ભારતમાં જ બનેલી ચીજ વસ્તુઓની ખરીદીનું હોય છે. હવે અનિવાર્ય હોય એવા જ ઉપકરણો બહારથી ખરીદવામાં આવે છે. મને કહેતા ગર્વ થાય છે કે, વધુ 101 વસ્તુઓ ભારતમાંથી જ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે આત્મનિર્ભર ભારત અને દેશના ઉત્પાદનો પર વધી રહેલા ભરોસાનું પ્રતીક છે. આજે ભારતીય સેનાઓમાં ઉપયોગમાં લેવાતી 411 જેટલી વસ્તુઓ અને ઉપકરણો ભારતમાં નિર્મિત છે. તેમણે ભારતીય કંપનીઓને રિસર્ચ અને ઇનોવેશનમાં વધુ તાકાત લગાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય સેનાના આ અભિગમથી ઉત્પાદન ક્ષેત્ર નવી ઊંચાઈઓને આંબશે અને દેશની યુવા પેઢીને ઘણો ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અત્યાર સુધી સમગ્ર દુનિયામાં ડિફેન્સ ક્ષેત્રમાં ઉત્પાદનમાં કેટલીક કંપનીઓની મોનોપોલી હતી, પરંતુ ભારતે હિંમત કરીને પોતાની જગ્યા બનાવી છે. ભારતના યુવાનો વિકલ્પ બન્યા છે. ભારતના યુવાનોના સામર્થ્યએ દુનિયાને નવા અવસરો, નવા પર્યાય પુરા પાડ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતના નવયુવાનોના પ્રયાસોથી આવનારા દિવસોમાં દેશનું સુરક્ષાક્ષેત્ર તો વધુ મજબૂત થશે જ, સાથોસાથ દેશના યુવા સામર્થ્યમાં પણ અનેકગણો વધારો થશે. ડિફેન્સ એક્સપોર્ટમાં ભારત ગ્લોબલ ગુરુ હોવાનો સંકેત પહોંચી રહ્યો છે.
સંશોધનો અને સુરક્ષામાં અનેક અવસરો અને સકારાત્મક સંભાવનાઓ સર્જાઇ છે એમ કહીને તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ડિફેન્સ કોરિડોર બની રહી છે. પરિણામે અનેક વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આવી રહી છે. સપ્લાયચેનનું મોટું નેટવર્ક આકાર લઇ રહ્યું છે, જે ભારતના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં નવી તાકાત ઉમેરશે. નાના ઉદ્યોગોને પણ મોટા અવસરો પ્રાપ્ત થશે. તેમણે ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા ગુજરાત પધારેલી તમામ કંપનીઓને આહવાન કરતાં કહ્યું હતું કે, સશક્ત અને વિકસિત ભારતના આપણા સપનાને સાકાર કરો, હું તમારી સાથે છું. આપની ઉજ્જવળ આવતીકાલ માટે હું મારી આજ આપને અર્પણ કરવા માટે તત્પર છું. ભારત પહેલા કબૂતર છોડતું હતું, આજે ચિતા છોડી રહ્યું છે. એમ કહીને તેમણે કહ્યું હતું કે, ઘટનાઓ નાની હોય છે પણ તેના સંકેત મોટા હોય છે. શબ્દો સરળ હોય છે પણ તેનું સામર્થ્ય અપરંપાર હોય છે. ડિફેન્સ એક્સપો-2022 શક્તિ અને સામર્થ્ય માટે સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય સ્થાને રહેશે. તેમણે રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ અને તેમની ટીમના પુરુષાર્થને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. આગામી નૂતન વર્ષને ધ્યાનમાં રાખીને ગુજરાતના લોકોને તેમણે નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતીમાં સ્વાગત કરતા કહ્યું કે,તમારી ભૂમિ ગુજરાતમાં હું આપનું સ્વાગત કરું છું. ડાયનેમિક લીડર પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં “પાથ ટુ પ્રાઇડ”ની થીમ સાથે DefExpo2022 શુભારંભ થઈ રહ્યો છે એટલે કે આજ આત્મનિર્ભર, નવું ભારત છે તે આપણા સૌ માટે ગૌરવ સમાન છે . ગુજરાતમાં આયોજિત સૌથી મોટો DefExpo2022 આવનાર 25 વર્ષોમાં ભારતને સંરક્ષણ ક્ષેત્રે નવી દિશા આપશે. DefExpo શક્તિનું, રાષ્ટ્ર ગૌરવનું પ્રતીક છે તેમ જણાવતા કહ્યું હતું કે,આ DefExpoમાં 300 થી વધુ ભારતીય કંપનીઓ ભાગ લઇ રહી છે જેમાં 80 થી વધુ કંપનીઓ માત્ર ડિફેન્સ ક્ષેત્રે કાર્યરત છે જે આત્મનિર્ભર ભારતનો શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તેમણે કહ્યું હતું કે,DefExpo ભારતની નવી પેઢીને સંરક્ષણ ક્ષેત્રે ઇનોવેશન અને રિસર્ચની સાથે રોજગારીની નવી તકો ઉપલ્બધ કરાવશે. આ સાથે દેશ અને વિશ્વના ઉદ્યોગકારોને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રોકાણ માટે આકર્ષશે.આ સિવાય MSME, લઘુ ઉદ્યોગકારો, ખાનગી કંપનીઓને પણ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રોકાણ માટે કેન્દ્ર સરકાર પ્રોત્સાહિત કરી રહી છે. ભારતની યુવા પેઢી સંરક્ષણ ક્ષેત્રમાં પણ રિસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટમાં નવી ક્ષિતિજો સર કરે તે સમયની માંગ છે. તેમણે ઉમેર્યું કે, DefExpo દરમિયાન છેલ્લા બે દિવસથી 10 આફ્રિકન દેશો સાથે દ્વિપક્ષીય સંવાદ યોજાઈ રહ્યો છે જયારે અન્ય દેશો પણ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે ઉત્સાહી છે.
સંરક્ષણ મંત્રીશ્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે,પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા ભારતની પ્રાથમિકતા રહી છે. આકાશ, ધરતી,અને જળની સાથે ભારત એરો સ્પેસ ક્ષેત્રે પણ પોતાની શક્તિ વધારી રહ્યું છે.મિશન DefSpace અંતર્ગત અવકાશ ક્ષેત્રે ભારત હવે વધુ નવા પડકારો અને તકો સાથે આગળ વધશે.પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરની સાથે વિશ્વની પાંચમી મજબૂત અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે તેમ જણાવી સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહે ગુજરાતમાં DefExpo2022ના સફળ આયોજન બદલ ટીમ ગુજરાતનો આભાર માની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની બહુઆયામી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં ભારતની સંરક્ષણ શક્તિ માટે વૈશ્વિક ફોરમની રચના કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યમાં સુદૃઢ ડિફેન્સ ઇકોસિસ્ટમ બનાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને આતંકવાદ વિરોધી, આંતરિક સુરક્ષા, સાયબર વોરફેર, લશ્કરી બાબતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયોમાં શિક્ષણ આપવાનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે. જેને રાજ્ય સરકારે સાકાર કર્યું છે. સંરક્ષણ ક્ષેત્રે યુવાનોને તાલીમ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. દેશના યુવાનોને સંરક્ષણ અને સુરક્ષા વ્યવસ્થાપનમાં સમયસર શિક્ષણની તક પૂરી પાડવા માટે વડાપ્રધાનશ્રીએ 2009માં ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ બંને યુનિવર્સિટી હવે NFSU અને RRU છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, NFSU વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે કે જે ફોરેન્સિક બિહેવિયર, ડિજિટલ ફોરેન્સિક સંબંધિત વિજ્ઞાનને સમર્પિત છે. NFSU ખાતે બેલિસ્ટિક સંશોધન કેન્દ્ર અને પરીક્ષણ શ્રેણી અને બેલિસ્ટિક સામગ્રીઓ અથવા બેલિસ્ટિક સામગ્રીનું મૂલ્યાંકનનું તેના પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તમામ આવૃત્તિમાં સંરક્ષણ કંપનીઓને તેમના ઉત્પાદનોના પ્રદર્શન માટે વિશેષ સંરક્ષણ પેવેલિયન રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. કેટલીક મુખ્ય સંરક્ષણ કંપનીઓએ તેમના સંરક્ષણ સાધનોનું પ્રદર્શન કરવાની તક લીધી પણ લીધી છે. ગુજરાતમાં એવા ઘણા એમએસએમઇ ઉદ્યોગો છે કે જે ભારતના સ્ટ્રેટેજીક એરોસ્પેસ અને ડિફેન્સ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ પાર્ટ્સ પૂરા પાડે છે. પ્રધાનમંત્રીશ્રીએ ડિફેન્સ એક્સપો દ્વારા ગુજરાતના MSME ને પોતાની ક્ષમતા બતાવવાની તક પણ આપી છે.
મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું કે, ગુજરાત દેશનું સંવેદનશીલ રાજ્ય છે કારણ કે તે પડોશી દેશો સાથે જળ,જમીન અને હવાઈ સરહદોથી જોડાયેલું છે. રાજ્યના સરહદી વિસ્તાર બનાસકાંઠાના ડીસામાં 935 કરોડના ખર્ચે નિર્માણ પામનાર એર ફિલ્ડથી પશ્ચિમ સરહદી વિસ્તારમાં જળ,જમીન અને હવાઈ કામગીરી અને અમદાવાદ તથા વડોદરા જેવા આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રોની સુરક્ષા વધુ મજબૂત થશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ 2016માં વિસ્તૃત એરોસ્પેસ અને ડિફેન્સ નીતિ શરૂ કરવાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ માટે વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ રાજ્ય સરકારે ‘ડ્રોન પ્રમોશન એન્ડ યુઝ પોલિસી’ લાગુ પાડી છે. ‘ધ આત્મનિર્ભર સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ દ્વારા ઉદ્યોગોને આત્મનિર્ભરતાનો રાહ બતાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સ્વપ્નદ્રષ્ટા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યએ દૂરંદેશી પહેલો અને સુધારાઓ અમલમાં મૂક્યા છે જેના પરિણામે છેલ્લા 20 વર્ષથી ગુજરાત ફાસ્ટ-ટ્રેક વિકાસમાં મોખરે છે. સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં ગુજરાતની ઉત્પાદન ક્ષમતા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વની ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને પ્રતિષ્ઠિત ડિફેન્સ એક્સ્પોની 12મી આવૃત્તિનું આયોજન કરવાની તક આપવા બદલ વડાપ્રધાનશ્રી અને સંરક્ષણ મંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને આ ડિફેન્સ એક્સ્પો થકી ભારત અને ગુજરાતની વિકાસ ગાથામાં સહભાગી થવા ઉદ્યોગ સાહસિકોને આહવાન કર્યું હતું. ડિફેન્સ એક્સ્પો-2022ના શુભારંભ પ્રસંગે વડાપ્રધાનશ્રીના હસ્તે મિશન ડેફસ્પેસ, બનાસકાંઠાના ડીસા ખાતે એરફોર્સના 52માં એરબેઝનું ભૂમિપૂજન સહિત અન્ય પહેલની પણ શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ શ્રી અનિલ ચૌહાણ, સંરક્ષણ સચિવ શ્રી ડૉ. અજયકુમાર, એર ચીફમાર્શલ શ્રી વિવેક રામ ચૌધરી, ચીફ ઑફ નેવલ સ્ટાફ એડમિરલ શ્રી આર. એચ. કુમાર, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ શ્રી મનોજ પાંડે, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, સંરક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ તથા સેનાની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.