રતાડીયાના કૃષિ શિક્ષક વયનિવૃત થતા વિદાયમાન અપાયું
રતાડીયા,તા.18: મુન્દ્રા તાલુકાની રતાડીયા સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના કૃષિ શિક્ષક અશ્વિનભાઈ પરમાર વયનિવૃત થતા તેમને વિદાયમાન આપવાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. જેમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા શ્રીસંઘ સંસ્થાના મેનેજીંગ ડાયરેકટર ડૉ. સુમિત્રએ તેમની શિક્ષણ પ્રત્યેની ધગશ અને કર્તવ્ય નિષ્ઠાને બિરદાવતા સતત ૩૬ વર્ષ સુધી શિક્ષક તરીકે અને છેલ્લા બે વર્ષ આચાર્ય તરીકે સંતોષકારક રીતે સેવા આપવા બદલ તેમની કામગીરીને બિરદાવીને તેમનું જીવન આરોગ્યપ્રદ અને નિરોગી રીતે પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાના ભૂતપૂર્વ વિજ્ઞાન શિક્ષક આર. કે. ગોસરાએ એક જ સંકુલમાં સાથે રહેતા હોઈ તેમની રાત દિવસ જોયા વગર કૃષિ ક્ષેત્રે કરેલી મહેનત ખરા અર્થમાં બુનિયાદી શિક્ષણ આપ્યાના સાક્ષી હોવાનું ગૌરવ અનુભવીને જુના સંસ્મરણો તાજા કર્યા હતા.
કચ્છને સજાનો જિલ્લો મનાતો તે સમયમાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સીતાપુર ગામથી આવીને રતાડીયાને કર્મભૂમિ બનાવીને હાજર થયાથી નિવૃત્તિ સુધી રતાડીયામાં જ રહીને સેવા નિવૃત થતાં સવાયા કચ્છી અશ્વિનભાઈએ સંસ્થાના સ્થાપક ડો.ચંદ્ર જોશીના પ્રેમ અને હૂંફને યાદ કરીને ગદગદિત સ્વરે સંસ્થાએ કુટુંબના સભ્યની જેમ રાખવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુન્દ્રા તાલુકાની સાથે સમગ્ર કચ્છના ગામે ગામથી આવીને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી ડૉક્ટર, વકીલ, શિક્ષક, એન્જીનીયર જેવા અનમોલ રતન સમાજને આપનાર અશ્વિનભાઈને શાળાના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ તથા સ્ટાફમિત્રોએ પ્રતીક ભેટ આપી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વતી મોખા પં. પ્રા. શાળાના આચાર્ય વજાભાઈ તેમજ અબ્દુલભાઇ, કમલેશભાઈ, રવજીભાઈ, થાવરભાઈ રબારી, રામજીભાઈ આહીર, રામજીભાઈ મહેશ્વરી, હંસાબેન, વૈશાલીબેન, સોહિલભાઈ, શિવાનીબેન, પૂજા ઠક્કર વિગેરેએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ શાળાના ભૂતપૂર્વ કર્મચારી કુલદીપસિંહ જાડેજા તથા લઘુભાઈ મહેશ્વરી હાજર રહેલ હતા. આરોગ્ય વિભાગ વતી સંજયભાઈ આહિરએ પ્રતિભાવ આપ્યા હતા.
સમગ્ર હાઈસ્કૂલ પરિવાર વતી ઇન્ચાર્જ આચાર્ય જીજ્ઞેશ ભાડજા, સર્વમંગલ પ્રાથમિક વિભાગના આચાર્યા હર્ષાબેન મ્યાત્રા અને રતાડીયા પં. પ્રા. શાળાના આચાર્ય ધીરુભા ચૌહાણ તથા તમામ સ્ટાફમિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદુભાઈ ગોહિલે કર્યું હતું જ્યારે આભારવિધિ જાગૃતિબેન રાયચુરાએ કરી હતી.