*’અત્યાર સુધીનો સૌથી મોટો ડિફેન્સ એક્સ્પો તા.૧૮ થી ૨૨ દરમિયાન ગાંધીનગર-ગુજરાતમાં યોજાશે : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ*

જીએનએ ગાંધીનગર: સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્વદેશી આંદોલનના પ્રણેતા મહાત્મા ગાંધીની ભૂમિ પર ડિફેન્સ એક્સપોનો પ્રારંભ થઈ રહ્યો છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના ઉદ્દેશ સાથે આયોજિત આ ડિફેન્સ એક્સ્પો મહાત્મા ગાંધીને વિનમ્ર શ્રદ્ધાંજલિ છે.

સંરક્ષણ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રે અગ્રણી દેશોમાં સામેલ થવાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે ‘પાથ ટુ પ્રાઇડ’ તરફ કદમ માંડ્યા છે. દુનિયાના સૌથી મોટા ડિફેન્સ ઇમ્પોર્ટરને બદલે ભારત હવે એક્સપોર્ટરની ભૂમિકામાં આવ્યું છે, આ ટ્રાન્સફોર્મેશન જર્નીની ઝલક આ ડિફેન્સ એક્સપોમાં જોવા મળશે. ભારત હવે ટોચના 25 ડિફેન્સ એક્સપોર્ટિંગ દેશોની હરોળમાં આવી ગયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સંરક્ષણ મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ડિફેન્સ એક્સ્પો વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારે છે. પાથ ટુ પ્રાઇડ, એ માત્ર એક થીમ નથી, પરંતુ નવા ભારતનું વિઝન છે, નવા ભારતનું ગૌરવ છે. ગૌરવ દેશના જ્ઞાન અને વિજ્ઞાનનું, ગૌરવ દેશના વિચારો અને માનસિકતાનું, ગૌરવ સ્વદેશી ઉત્પાદનોનું. આ એક્સ્પો સમગ્ર દુનિયાને બતાવશે કે ભારત હવે નવા વિચારો અને નવા ઉત્પાદનો સાથે સજ્જ છે.

 

સંરક્ષણ મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ એક્સ્પો ભારતની ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝની તાકાતને દુનિયાની સામે પ્રદર્શિત કરવાની તક પૂરી પાડશે. ભારત સંરક્ષણ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પણ ‘મેક ઇન ઇન્ડિયા અને ‘મેક ફોર વર્લ્ડ’ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે, એ માટે આપણે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને નેતૃત્વને આભારી છીએ.

 

સંરક્ષણ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીમંડળના ખૂબ સારા સહયોગથી આ ડિફેન્સ એક્સ્પો યોજાવા જઈ રહ્યો છે, એ બદલ અમે તેમના આભારી છીએ. વધુમાં સંરક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત અતિથિ સત્કાર માટે ખૂબ જ જાણીતું છે. આ ભૂમિએ બહારના લોકોને પોતાના ગણ્યા છે. વિસ્તાર અને વિકાસ ઉપરાંત ગુજરાત આતિથ્યસત્કારમાં પણ બેજોડ છે.

 

સંરક્ષણ મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડિફેન્સ એક્સ્પો 2022 અત્યાર સુધીના સૌથી સફળ ડિફેન્સ એક્સપોમાંનો એક બની રહેશે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસો કરશે, એવો આશાવાદ મંત્રી શ્રીએ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે 300 થી વધુ કંપનીઓ આ ડિફેન્સ એક્સપોમાં સહભાગી બની રહી છે. આ એક્સ્પો રોકાણકારો માટે ખૂબ મોટી તક પ્રદાન કરશે. મોટા ઉદ્યોગો ઉપરાંત MSME તથા સ્ટાર્ટઅપ્સ માટે પણ આ ડિફેન્સ એક્સપોમાં મોટી સંભાવનાઓ રહેલી છે. આ ડિફેન્સ એક્સ્પો રોકાણકારો માટે એક મોટો મંચ પ્રદાન કરશે. સંરક્ષણ ક્ષેત્રે રોજગારીની નવી તકો પણ ઊભી થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

સંરક્ષણ મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે ડિફેન્સ એક્સ્પો દરમિયાન યોજાનાર 21 જેટલા સેમિનારમાં સરકાર-ઉદ્યોગોના પ્રતિનિધિઓ, એકેડેમિક વિદ્વાનો, ગહન ચર્ચા-વિચારણા કરશે,જેના અંતે લર્નિંગ અને એક્શન પ્લાન ઉપલબ્ધ થશે. સંરક્ષણ મંત્રી શ્રીએ ડિફેન્સ એક્સ્પોના વિવિધ કાર્યક્રમો અને લાઈવ ડેમોસ્ટ્રેશનની ચર્ચા કરીને કહ્યું હતું કે આ ડિફેન્સ એક્સ્પો સંરક્ષણ ક્ષેત્રે આત્માનિર્ભરતાનું સપનું સાકાર કરશે અને વિદ્યાર્થીઓ-યુવાનોને પ્રેરણા પૂરી પાડશે.

 

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે*, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાત ‘ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨’નું યજમાન બન્યું છે. ‘પાથ ટુ પ્રાઈડ’ થીમ સાથે આયોજીત આ ‘ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨’ ભારતના આત્મનિર્ભરના અભિગમને સાકર કરશે.

 

તેમણે વધુમાં કહ્યું કે, અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન ૧ લાખ ચો.મી.માં યોજાશે, જેના પગલે દેશના ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે ‘ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨’ ઉપયોગી પુરવાર થશે. એટલુ જ નહિ વિધાર્થીઓ તેમજ બાળકોને પણ ડિફેન્સ એક્સ્પોને નજીકથી માણવા મળશે.

 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, આ ‘ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨’ પ્રદર્શનની સાથે અમદાવાદ અને પોરબંદર ખાતે યોજાનારા લાઇવ ડેમોંસ્ટ્રેશન પણ લોકોને માણવા મળશે. એટલું જ નહીં આ પ્રદર્શનમાં ગુજરાતનું પણ મોટું પેવેલિયન છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

આ પ્રસંગે ડીફેન્સ એકઝીબીશનના ડાયરેકટર શ્રી અચલ મલ્હોત્રા એ ‘ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨’ની વિસ્તૃત વિગતો આપતાં હતું કે, આ ‘ડિફેન્સ એક્સપો-૨૦૨૨’માં ૭૫ દેશ તેમજ ભારતના દશ રાજ્યો ભાગ લઈ રહ્યાં છે.તા.૧૮થી ૨૨ ઓક્ટોબર દરમિયાન આયોજિત ‘ડિફેન્સ એક્સપો’ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કુલ પાંચ દિવસ માટે ‘ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨’નું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૮,૧૯ અને ૨૦ ઓક્ટોબર દરમ્યાન બિઝનેસ ઇવેન્ટ યોજાશે. તેમજ તા.૨૧ અને ૨૨ બે દિવસ જાહેર જનતા માટે કાર્યક્રમો ખુલ્લા રહેશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લાઈવ ડેમોંસ્ટ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૬૦૦ ડ્રોન સાથેનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો ગાંધીનગર ખાતે યોજાશે. તે ઉપરાંત ૪૫૧ એમઓયુ, ટીઓટી એગ્રીમેન્ટ તેમજ અનેક ઉત્પાદનોનું લોન્ચિંગ આ એક્સ્પો દરમિયાન થશે અને તા.૧૮ થી ૨૨ દરમિયાન પોરબંદર ખાતે જાહેર જનતા માટે શિપ વિઝીટનું આયોજન કરાયુ છે.

 

આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સહિત કેન્દ્રના સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ સનદી અધિકારીઓ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

****