ઓલપાડનાં ધનશેર ગામનાં યંગ સ્ટાર ફાઉન્ડેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચોનું આયોજન કરવામાં આવ્યું
ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ધનશેર ગામનાં યંગ સ્ટાર ફાઉન્ડેશન દ્વારા સ્વ. ચંદુભાઈ બેચરભાઈ પટેલનાં સ્મરણાર્થે બે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચોનું આયોજન અત્રેનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ધનશેર ગામનાં સરપંચ હર્ષદભાઈ પટેલ, ગામનાં સામાજિક આગેવાનો ગણપભાઈ, કિશોરભાઈ, જયેશભાઇ, અશોકભાઇ, જીતેન્દ્રભાઈ, અમિતભાઇ, કાંતિભાઈ, અંકુરભાઈ, ટુંડા ગામનાં સરપંચ રજનીકાંતભાઇ પટેલ, કોસાડનાં સામાજિક કાર્યકર ટીનુભાઇ તેમજ ભવ્યા ઇલેવનનાં ઓનર સતિષભાઈ સુરતી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
બે ફાઈનલ મેચો પૈકીની ૧૬ ટીમોની પ્રથમ ફાઇનલ મેચ જય અંબે ઇલેવન, ધનશેર અને બમરોલી ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં જય અંબે ઇલેવન, ધનશેરનો ૭ વિકેટે વિજય થયો હતો. આ મેચમાં બેસ્ટ બેટ્સમેન તરીકે વિપુલ પટેલ (૧૩ બોલમાં ૨૯ રન) અને બેસ્ટ બોલર તરીકે વિજય પટેલ (ઓવર-૩, ૨૪/૩) જાહેર કરવામાં આવ્યા હતાં. જ્યારે મેન ઓફ ધ મેચ તરીકે વિજય પટેલ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે જીગ્નેશ પટેલ ઘોષિત થયા હતાં.
૩૨ ટીમોની બીજી ફાઈનલ મેચમાં યંગસ્ટાર સી. ધનશેર ઇલેવન અને શિવાય ઇલેવન, લવાછા વચ્ચે રમાઈ હતી. જેમાં યંગસ્ટાર સી.ધનશેર ઇલેવને ૪ વિકેટે જીત મેળવી હતી. બેસ્ટ બેટસમેન તરીકે દિપક પટેલ ઉર્ફે શિવો (૧૩ બોલમાં ૨૪ રન) અને બેસ્ટ બોલર તરીકે સંકેત પટેલ (3 ઓવર, ૮ રન, ૩ વિકેટ) જાહેર કરવામાં આવ્યા હતાં. જ્યારે મેન ઓફ ધ મેચ તરીકે સંકેત પટેલ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે સાગર પટેલ (૫ મેચ, ૬૮ રન, ૧૧ વિકેટ) ઘોષિત થયા હતાં. એમ બળવંતભાઈ જે પટેલ, વિજય સી. પટેલ, સુભાષભાઇ એચ. પટેલ, યોગેશભાઈ સી. પટેલ એક અખબારીમાં યાદીમાં જણાવે છે.