કચ્છની કલાને વિશ્વમાં પ્રખ્યાત કરી ઉત્તમ રોજગારીની તકો ઉભી કરીએ- વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય.
છેવાડાના ગામો સુધી રોજગારીના અવસરો માટેની યોજનાનો લાભ લો
– ખાદીગ્રામોધોગ ચેરમેનશ્રી મનોજકુમાર
૦ ૦ ૦
ખાદીગ્રામોધોગ ચેરમેનશ્રી મનોજકુમારે સ્મૃતિવન મેમોરિયલ
અને સ્થાનિક કલા કારીગરીથી માહિતગાર થયા
સ્મૃતિવન ભુજ ખાતે ખાદી કારીગર સંવાદ યોજાયો
ભુજ, ગુરૂવારઃ
વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યની ગરિમામય ઉપસ્થિતિમાં આજરોજ સ્મૃતિવન ભુજ ખાતે કારીગર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
સુક્ષ્મ અને લઘુ ઉધોગ મંત્રાલય ભારત સરકારના ખાદી ગ્રામોધોગ આયોગ દ્વારા કચ્છના સ્થાનિક કલા કારીગરો સાથેનો સંવાદ કાર્યક્રમ સ્મૃતિવન મેમોરિયલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.
કચ્છના કારીગરો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હૈયે રહેલાં છે. કારીગરો માટે અનેકવિધ યોજનાઓ અમલી છે ત્યારે વડાપ્રધાનશ્રીના ફાર્મથી ફેશન સુધીના વિચારને વિવિધ કૌશલ્યવર્ધન અને તાલીમ દ્વારા સાકાર કરી સ્વ અને સમાજ માટે રોજગારીની વિપુલ તકો ઉભી કરીએ એમ આ તકે મનનીય પ્રવચનમાં અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.
અધ્યક્ષાશ્રીએ આ તકે ઉપસ્થિત કચ્છની વિવિધ કલાના કારીગરોને વધાવતા અને બિરદાવતાં કચ્છની વિવિધ કલાનો પરિચય આપતા જણાવ્યું હતું કે, કલાનો ઉપયોગ ફેશનમાં આવે તેમ માર્કેટીંગ કરી નાના અન્ય લોકોને પણ રોજગારી મળે તેમ કરીએ.
શ્રી નરેન્દ્રભાઇ મોદીના ફાર્મથી ફેશનના વિચારને માર્કેટીંગથી ઉત્તમ બજારો આપી સ્થાનિક કલાકારોની વિશ્વમાં આગવી ઓળખ આપવા પ્રયાસ કરાયો છે. વિવિધ યોજનાઓ દ્વારા સરકાર પ્લેટફોર્મ અને સગવડો પુરી પાડી કલા કારીગરી માટે રોજગારીની વિપુલ તકો ઉભી કરી રહી છે તેનો લાભ લો. સરકાર અધિકારીથી લઇ કર્મચારી દ્વારા વિવિધ યોજનાઓને લાભાર્થી સુધી પહોંચાડી કારીગરોને નામ અને દામ આપવા પ્રયાસ કરી રહી છે. બધા આત્મનિર્ભર બને તે માટે અન્યોને કલા કારીગરી શીખવાડો.
આ તકે અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું કે, ચેરમેનશ્રી મનોજકુમાર કચ્છની કલાથી પ્રભાવિત થયા છે. આ કારણે આગામી ૧૪મી નવેમ્બરે પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે ખાદી કલા કારીગરીનો પ્રદર્શન યોજાશે. તેનો તમામ કારીગરો લાભ લેશો તેવો પણ તેમણે અનુરોધ કર્યો હતો.
ખાદીગ્રામોધોગના ચેરમેનશ્રી મનોજકુમારે સુક્ષ્મ અને લઘુ ઉધોગ મંત્રાલય દ્વારા ખાદીગ્રામોધોગ આયોગના માધ્યમથી મળનારી વિવિધ યોજનાઓ અંગે માહિતી પુરી પાડી છેવાડાના ગામો સુધી રોજગારીના વિવિધ અવસરો ખાદી માટે ઉભા થયા છે તેનો લાભ લેવા જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ખાદીપ્રેમ અને દરેક હાથને કામ ને સાર્થક કરવા પણ તેમણે જણાવ્યું હતું. આ તકે તેમણે ખાદીને ફેશન બ્રાન્ડ બનાવવા વધુ પ્રયત્નો કરવા પણ જણાવ્યું હતું.
માટીકલાના પ્રસિધ્ધ કારીગરશ્રી ડો.ઈસ્માઇલ ખત્રીએ પ્રેરક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ધોળાવીરાના માટીકામના ટુકડાને દિલ્હીના મ્યુઝિયમમાં સુરક્ષા વચ્ચે રખાયું છે. કલા અને કારીગરની તેમજ મૂળ કૃતિની કદર થાય છે માટે દરેક કારીગર કલાકારે હવે સરકાર દ્વારા અપાતી ઓનલાઇન સહાયનો પણ ઉપયોગ કરીને કલા વિકસાવવી જોઇએ.
ખાદી યોજનાઓની જાણકારી આપવા તેમજ તેમને યોજનાઓના લાભોમાં જોડવા તેમજ ખાદી કારીગરોની સમસ્યા જાણવા માટેના ખાદી કારીગર સંવાદ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન રાજય નિયામકશ્રી સંજય હેડાઉએ કર્યુ હતું તેમજ KVIC ના સહાયક નિર્દેશક અજયભાઇએ આભારવિધિ કરી હતી.
આ તકે ચેરમેનશ્રી મનોજકુમારે સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓની મુલાકાત લીધી હતી તેમજ અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યની સાથે સ્થાનિક કારીગરોના વિવિધ કલા કારીગરીના પ્રદર્શનની જાત મુલાકાત લઇ તે વિશે વધુ માહિતગાર થયા હતા તેમની સાથે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત પણ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં સર્વશ્રી પાબીબેન રબારી, કચ્છના અગ્રણી કારીગર સર્વશ્રીઓ, લીડબેંક મેનેજરશ્રી એમ.કે. દાસ, શ્રી દાદુભાઇ સોઢા, KVICના આશિષ અંસારી, કચ્છના આર્ટીજન, અગ્રણીઓ અને કારીગરો ઉપસ્થિત રહયા હતા.
હેમલતા પારેખ/સીદીક કેવર ૦ ૦ ૦ ૦ ૦