વડોદરા ખાતે સંરક્ષણ એકમોની મુલાકાત લેતા સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ
જીએનએ અમદાવાદ: ભારત સરકારના સંરક્ષણ અને પર્યટન રાજ્યમંત્રી અજય ભટ્ટે વડોદરામાં આવેલા સંરક્ષણ એકમો એટલે કે વાયુ સેના સ્ટેશન વડોદરા, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ (EME) સ્કૂલ અને ફતેગંજ ખાતે 3 ગુજરાત NCCની બટાલિયનની મુલાકાત લીધી હતી.
વાયુ સેના સ્ટેશન વડોદરા ખાતે, સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ કોમડોર પીવીએસ નારાયણ તેમના સ્વાગતમાં આવ્યા હતા. મંત્રીશ્રીએ આ બેઝ ખાતે પરિચાલન ઇન્સ્ટોલેશન્સની મુલાકાત લીધી હતી જ્યાં તેમને પરિચાલન સંબંધિત સજ્જતાઓ વિશે અને પ્રવર્તમાન સુરક્ષાની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમને AN-32 અને એર એમ્બ્યુલન્સ મોડિફાઇડ એરક્રાફ્ટ દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. મંત્રીશ્રીએ આ બેઝના વાયુ યોદ્ધાઓ સાથે સંવાદ કર્યો હતો અને આકાશમાં રાષ્ટ્રની સીમાઓનું રક્ષણ કરવામાં તેમજ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક ધોરણે માનવીય સહાય અને રાહત પહોંચાડવામાં તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે ઉચ્ચ સ્તરની પૂર્વતૈયારીઓ જાળવી રાખવા બદલ પણ સ્ટેશનની પ્રશંસા કરી હતી.
વડોદરા ખાતે આવેલી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ (ઈએમઇ) સ્કૂલની મુલાકાત દરમિયાન, મેજર જનરલ વિક્રમદીપસિંહ, વિશિષ્ટ સેવા મેડલ, કમાન્ડન્ટ તેમના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ એકમમાં અનુસરવામાં આવતી તાલીમની પ્રથાઓ, આવિષ્કારી પદ્ધતિઓ અને અહીં હાથ ધરવામાં આવતી અનોખી પહેલો વિશે તેમને માહિતગાર કર્યા હતા. રાજ્ય સંરક્ષણમંત્રીએ આ સ્કૂલ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા તાલીમના ઉચ્ચ કક્ષાના ધોરણો બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે જવાનો સાથે સંવાદ કર્યો હતો અને તેમને પ્રેરિત કર્યા હતા તેમજ પોતાના કૌશલ્યમાં સતત વધારો કરવાનું તેમને ભારપૂર્વક કહ્યું હતું. તેમણે ગ્રીન-કેમ્પસ કાર્યક્રમના ભાગરૂપે અહીં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
3 ગુજરાત NCC બટાલિયન ખાતે, એનસીસી નિદેશાલય ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂર તેમના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ પોતાની સમીક્ષાના ભાગરૂપે, ગુજરાત રાજ્યના 400 NCC કેડેટ્સના ગ્રૂપ સાથે સંવાદ કર્યો હતો. મંત્રીએ રાષ્ટ્ર નિર્માણ માટે આ સંગઠન દ્વારા કરવામાં આવતી અસામાન્ય કામગીરીઓની પ્રશંસા કરી હતી. તેમણે આદરણીય પ્રધાનમંત્રી વતી તેમની પ્રશંસા કરી હતી અને તેમના વતી શુભેચ્છાઓ પણ આપી હતી.