*સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સી.પી.આર ટ્રેનિંગ કેમ્પ યોજાયો*
સુરતઃસંજીવ રાજપૂત* શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સ્મીમેર હોસ્પિટલ ખાતે શિક્ષકો માટે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમનો પ્રારંભ થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન ૨૪૦૦ શિક્ષકોએ સી.પી.આર.ની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મેડિકલની ટીમ દ્વારા શિક્ષક મિત્રોને ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ પ્રસંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR વિષે નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી ઉપલબ્ધ થાય એ આશયથી ખાસ અભિયાન હાથ ધરાયું છે. બદલાતી જતી જીવનશૈલીના કારણે હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે, ત્યારે લોકો મહામુલી જીંદગી બચાવવા શિક્ષકો મદદરૂપ બને તે માટે તાલીમ આપવામાં આવી રહી છે. તમામ ક્ષેત્રે આપણે સુરક્ષિત રહી અન્ય લોકોને પણ સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવો એ અપણો ધર્મ છે. આવનાર સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, આત્મ સંતોષ, પ્રેમ, હૂંફ અને સન્માન શિક્ષક કે ગુરૂજનના સાન્નિધ્યમાં મળે છે એ અતુલ્ય હોય છે.ત્યારે આજે ગુરૂની ઉપમા ધરાવતા શિક્ષકો સી.પી.આરની ટ્રેનિંગ મેળવી પોતાના શિષ્યોને ક્લાસરૂમમાં કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-સીપીઆરની ટ્રેનિંગ આપશે. જેનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં માનવતાવાદનો અભિગમ આવશે. જ્યારે કોઇ વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હોય ત્યારે જો તાત્કાલિક સારવાર મળી જાય તો વ્યક્તિનો જીવ બચી શકે છે. જેઓએ સી.પી.આરની ટ્રેનિંગ લીધી હોય તો સંકટ સમયે કોઈ પણ વ્યકિતનો જીવ બચાવી શકશે. શિક્ષકોએ એક સાચા ગુરૂ બની વિદ્યાર્થી સહિત સમાજના વિવિધ વર્ગના લોકોને સી.પી.આર વિશેની સમજ આપશે. ગુરૂજનો પાસે શિક્ષા આપવાનું અનોખુ કૌશલ્ય હોય છે,જેના થકી સમાજમાં જાગૃતા લાવી શકશે. હાર્ટ અટેક અને શ્વાસ લેવામાં ખુબ તફલીફ પડે એ દરમિયાન દર્દીનો જીવ બચાવવા માટેનો અસરકાર ઉપાય એટલે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન. સીપીઆરનું યોગ્ય પ્રશિક્ષણ મેળવ્યું હોય તો આપત્તિ સમયમાં કોઇનો પણ વ્યક્તિનો જીવ બચાવી શકશું. ભગવાને આપેલા બહુમુલ્ય જીવનમાં આપણા થકી એક વ્યક્તિનો જીવન બચે તો આપણે પ્રભુના કાર્યમાં નિમિત્ત બન્યા એમ કહી શકાશે.
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ કહ્યું કે, પહેલા હું એક શિક્ષક છું, વર્ષો સુધી શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી છે,ત્યારે શિક્ષકોને વંદન કર્યા હતા. વધુમાં કહ્યું કે, શિક્ષકો આવનારી પેઢીના આત્મસિંચન માટે મહત્વનું યોગદાન આપનારા ગુરૂજનો છે. એક શ્રેષ્ઠ શિક્ષક યોગ્ય જ્ઞાન મેળવી વિદ્યાર્થીઓ અને સમાજના લોકોને સાચું જ્ઞાન આપે છે,જેના થકી શ્રેષ્ઠ સમાજ અને પરિવારનું નિર્માણ થાય છે. શિક્ષકો સી.પી.આર ટ્રેનિંગ મેળવી વિદ્યાર્થીઓ અને સમાજના લોકોને ટ્રેનિંગ આપશે.જેનાથી લાખો લોકોના જીવ બચાવવાનું પુર્ણ કાર્ય થશે. રાજય સરકાર કોરોના કાળ હોય, વાવાંઝોડુ હોય, પુર જેવી હોનારત હોય ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે નાગરિકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે કટિબદ્ધ છે. જે માટે આગોતરૂ આયોજન કરવામાં આવે છે. આજે બદલાતી જતી જીવનશૈલીના કારણે હદયરોગના એટેકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હદયરોગ પહેલા સી.પી.આર. આપીને વ્યકિતનું જીવન બચાવી શકાય તે માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. દરેક વ્યકિત પોતે જ પોતાનો ડોકટર બને તે જરૂરી છે. દરેક વ્યકિતને સી.પી.આર. તાલીમ લેવાનો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહીના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશભાઇ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન સ્વાતિબેન સોસા,સ્મીમેર હોસ્પિટલના ડીન ડો.દિપક હોવલે,સ્મીમેર હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જીતેન્દ્રભાઇ દર્શન,મેડિકલની ટીમ સહિત મોટી સંખ્યમાં શહેરની નગર પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
-00-