અખબાર યાદી, ૧/૧૦/૨૦૨૨
—————————————
ભૂકંપમાંથી બેઠું થયેલું કચ્છ ગુજરાત રાજ્યનું ગ્રોથ એન્જિન બન્યું છે
– મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
૦ ૦ ૦
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિર્મિત
ન્યુ એનેક્ષી ભવનનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ઉદ્યોગોની વિકાસ પરંપરાને આગળ ધપાવવા ઉદ્યોગકારોને સહયોગ આપવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો
૦ ૦ ૦
ઉદ્યોગકારોની કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે
રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની મુખ્યમંત્રીશ્રીની ખાતરી
————————————–
કચ્છનો મિજાજ જ કંઈ ઓર છે, ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય કે અન્ય કોઈપણ પરિસ્થિતિ હોય કચ્છ મજબૂત બનીને ઉભર્યું છે. આજે કચ્છ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે તેવું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ન્યુ એનેક્ષી ભવનનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કરતી વેળાએ જણાવ્યું હતું.
કચ્છ ભારતનો અને ગુજરાતનો વિશાળ જિલ્લો હોવાને કારણે તથા વ્યાપારની અપાર સંભાવનાઓને લક્ષમાં રાખી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજે યોજાયેલા ભવનના લોકાર્પણ કાર્યક્રમ અવસરે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરીને રાજ્યના દરેક વિસ્તારમાં ઉદ્યોગો લાવવાનું મહત્વપૂર્ણ કામ કર્યું છે. જેના મીઠા ફળરૂપે રાજ્ય અને કચ્છમાં પણ મોટા પાયે ઔદ્યોગિકરણ થયું છે અને હજુ પણ ઔદ્યોગિકરણની વિકાસ પરંપરા આગળ વધારવા માટે ગુજરાત સરકાર કટીબધ્ધ છે.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ગ્લોબલ બનાવ્યું છે, જેના કારણે આજે ઉદ્યોગો સામેથી ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતમાં ઉદ્યોગકારોને તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજરોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે 5G નું લોકાર્પણ થવાનું છે ત્યારે ડિજિટલ ઇન્ડિયાને ખરા અર્થમાં વેગ મળશે. હેલ્થ સેક્ટર, ઉદ્યોગ સેક્ટર સહિતના તમામ સેક્ટરમાં 5G ના કારણે ફાયદો થશે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી ડિજિટલ ઇન્ડિયા, મેકઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે અભિયાન શરૂ કર્યા ત્યારે તે કેમ પાર પડશે તે સૌને સવાલ હતો. પરંતુ વડાપ્રધાનશ્રીના સામાન્ય માણસ પર રહેલા ભરોસોના કારણે આજે આ અભિયાન સાર્થક થયા છે. આજે દરેક નાનામાં નાના વ્યક્તિ પાસે પણ મોબાઈલ ફોન છે અને તે પોતાના નાણાંકીય વ્યવહાર આજે ઓનલાઇન તેમજ યુપીઆઈ દ્વારા કરી રહ્યો છે જે દર્શાવે છે કે દેશ બદલ રહા હૈ અને આપણે પોતે પણ સમય સાથે બદલાઈ રહ્યા છીએ અને વિશ્વ સાથે કદમ થી કદમ મિલાવી રહ્યા છીએ. સરકારના સ્વચ્છતા અભિયાને પણ સમગ્ર દેશની સકલ બદલી નાખી છે આજે સામાન્ય વ્યક્તિ પણ કોઈપણ જાતનો કચરો રોડ ઉપર નાખતા પહેલા એક વખત વિચાર જરૂર કરે છે. આમ સમગ્ર દેશના વિકાસમાં દરેકે દરેક નાગરિકનો સિંહ ફાળો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગપતિઓ અને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તેમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારે રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ આપ્યું છે જે લોકોની સુખાકારીમાં મદદરૂપ બન્યું છે. નીતિ આયોગ મુજબ આજે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં નંબર વન છે. આમ વધુને વધુ ગ્રોથ સાથે રાજ્ય આગળ વધી રહ્યું છે, ત્યારે તેમાં ઉદ્યોગપતિઓ પણ પોતાનો સહયોગ આપણે આપે તેવી તેમણે ઉદ્યોગકારોને અપીલ કરી હતી. આ સાથે જ તેમણે વેપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં ઉદ્યોગકારોને કોઈપણ જાતની સમસ્યા ન થાય તે માટે સરકાર કટિબધ છે. આ ક્ષેત્રના કોઈપણ પ્રશ્નો હશે તો સરકાર તેને દૂર કરવા માટે કામગીરી કરશે એવી ખાતરી પણ ઉપસ્થિત ઉદ્યોગકારોને મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આજના કાર્યક્રમમાં કચ્છના સૉલ્ટ, ટિમ્બર, ટ્રાન્સપોર્ટ, શિપિંગ સહિત અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો અને હારારોપણ કરીને ઉદ્યોગકારો દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતા બેન ટીલવાણી, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર વિસ્તારના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહીર, અંજાર નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, આગેવાનશ્રી કેશુભાઈ પટેલ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ, આગેવાનશ્રીઓ ચંપાલાલ પારેખ, બચુભાઈ આહીર, અરજણભાઈ કાનગડ, મોહન ધારશી, પારસમલ નાટા, નંદલાલ ગોહિલ, મહેશ તીરથાણી, પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકા ચેરમેન પુનિત દુધરેજીયા, મોમાયાભાઈ ગઢવી સહિતના હાજર રહ્યા હતા.
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦