તાલીમવર્ગમાં મેળવેલ ભાથું વર્ગખંડનાં બાળકો સમક્ષ સુનિયોજિત રીતે પીરસાય તે આપણું શિક્ષકસહજ ઉત્તરદાયિત્વ છે : કિરીટ પટેલ

 

(બી.આર.સી.ભવન, ઓલપાડ ખાતે ધોરણ-3 ની અંગ્રેજી વિષયની તાલીમ યોજાઇ)

 

જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ધોરણ-3 ની અંગ્રેજી વિષયની તાલીમ અત્રેના‍ં બી.આર.સી. ભવન ખાતે યોજવામાં આવી હતી.

શિક્ષણ કાર્ય દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાર્થના, વાર્તા, અભિનયગીત અને રમતો દ્વારા બાળકો અંગ્રેજી સહજ રીતે શીખે અને તે માટે અંગ્રેજીના઼ં વિષય શિક્ષકો સજ્જ બને એવાં મૂળભૂત હેતુસર યોજાયેલ આ દ્વિદિવસીય તાલીમવર્ગમાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓનાં 128 જેટલાં શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો.

આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે તાલીમાર્થીઓને સંબોધીને જણાવ્યું હતું કે અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવતાં એવાં આપણે સૌએ આત્મવિશ્વાસ સાથે, હસતાં ચહેરે બાળકો સાથે રમતાં-રમતાં ભાષાકીય પ્રવૃત્તિઓ કરવાની છે. આ તાલીમ વર્ગમાં મેળવેલ ભાથું પોતાનાં વર્ગખંડનાં બાળકો સમક્ષ સુનિયોજિત રીતે પીરસાય તે આપણું શિક્ષકસહજ ઉત્તરદાયિત્વ છે.

કુલ ત્રણ વર્ગોમાં વિભાજીત તાલીમાર્થીઓને માસ્ટર ટ્રેનર્સ ધનસુખ આહીર (અંભેટા), સુરેશ પટેલ (ગોલા), કનૈયા પટેલ (લવાછાચોર્યાસી), અલ્પેશ ઠાકર (સાયણ), રસિક રાઠોડ (ધનશેર), ભરત સોલંકી (વડોલી), પિનાકીન પટેલ (કીમામલી), નિલેશ પટેલ (બરબોધન), દિપક પટેલ (ભટગામ), હેમાંગિની ટપાલી (પરીયા) તથા પિનાકીની પટેલ (કરમલા) દ્વારા નિયત સમયપત્રક મુજબ પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.