*મારવાડી યુનિવર્સિટીમાં વોલીબોલ, ક્રિકેટ ગ્રાઉન્ડ પર જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ, એસ.પી. ખીલ્યા*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*કલેકટરશ્રીએ ફૂટબોલમાં ગોલ ફટકારી સૌને અચંબિત કર્યા*
*રાજકોટ, તા. ૧૬ સપ્ટેમ્બર -* રાજકોટમાં આજે મારવાડી યુનિવર્સિટીના રમતોત્સવનો જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ પ્રારંભ કરાવ્યો હતો. આ તકે કલેકટરશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર પણ ખેલાડી બની ગયા હતા અને સ્ફૂર્તિ સાથે ટેબલ ટેનિસ તથા વોલીબોલની મેચમાં ઉત્સાહ સાથે રમ્યા હતા. આ અધિકારીઓએ નેશનલ પ્લેયર્સને પણ બરાબરની ટક્કર આપી હતી.
બાદમાં ક્રિકેટ મેદાનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીની બોલિંગમાં કલેકટરશ્રીએ ધૂઆંધાર બેટિંગ કરી હતી. જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષકે ફિલ્ડીંગનો મોરચો સંભાળ્યો હતો. એ પછી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બેટિંગ સાંભળી ત્યારે કલેકટરશ્રીએ બોલિંગ કરી હતી. એ પછી ફૂટબોલ ગ્રાઉન્ડ પર કલેકટરશ્રીએ સિનિયર ખેલાડીની જેમ ગોલ ફટકારીને સૌને અચંબિત કર્યા હતા. તમામ ગેમ્સમાં ઉત્સાહપૂર્ણ ભાગ લઈને કલેકટરશ્રી તથા અધિકારીઓએ નેશનલ ગેમ્સના સ્પીરિટને રજૂ કર્યો હતો.
આ સમયે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી નરેશ જાડેજા, સ્પોર્ટ્સ હેડશ્રી રાજેશ પટેલ, ડીનશ્રી રામદેવસિંહ ઝાલા, સ્પોર્ટ્સ ફેકલ્ટીશ્રી નિશાંત કોઠારી, ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટરશ્રી રઇસખાન પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.