રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે એક અઠવાડિયામાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ના ૯૩૬ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ*

*

કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી સાત એપ્રિલ સુધીમાં કુલ ૪,૦૫૨ કિલો ચોખા,૭૮૫ કિલો ઘઉં,૨૭૩૭ કિલો લોટ,૧૧૩૬ કિલો દાળ, ૯૩૬ લીટર ખાદ્ય તેલ,૧૭૬૨ કિલો બટેટા,૯૦૮ કિલો ડુંગળી,૭૩૬ કિલો ખાંડ,૩૫૨ કિલો મરી મસાલા, ૧૫૨.૭૫ કિલો ચાની ભૂકી,૬૧૧ કિલો મીઠું,૫૭૯ પેકેટ બિસ્કીટ,૯૭૯ નંગ સાબુની ગોટી જેવી આવશ્યક ચીજવસ્તુઓની કીટનું કુલ ૯૩૬ પરિવારોમાં રાજકોટના પારેવાડા, શિવપરા ઝુંપડપટ્ટી, રૈયા ચોકડી વિસ્તાર, કલ્યાણ સોસાયટી પાસેનો વિસ્તાર, અમદાવાદના ભાડજ અને જમાલપુર,ભુજના રામદેવનગર અને માંડવી પાસેના બિદડા ગામમાં રહેતા ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું.

ભગવાન રામકૃષ્ણ દેવે પ્રબોધેલા સંદેશ ‘શિવજ્ઞાનથી જીવસેવા’ને મૂર્તસ્વરૂપ આપવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સંસ્થાઓની સ્થાપના આજથી લગભગ ૧૨૦ વર્ષો પૂર્વે કરી હતી. જેની સમસ્ત વિશ્વમાં લગભગ ૨૨૦ શાખા- કેન્દ્રો અનેકવિધ સેવા પ્રવૃત્તિઓમાં રત્ત છે.હાલમાં કોવીડ- ૧૯ના કારણે ઉદભવેલા વૈશ્વિક રોગચાળાને પરિણામે અનેક લોકો વિપત્તિગ્રસ્ત છે ત્યારે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દેશ વિદેશના વિવિધ કેન્દ્રો દ્વારા પરંપરા પ્રમાણે મોટાપાયે રાહત કાર્ય ચાલી રહ્યું હોવાનું રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ કાર્યમાં આર્થિક સહયોગ આપવા ઈચ્છતા હોય તો રાજકોટ રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ rkmrajkot.org પર કોરોના રીલીફ ફંડમાં પોતાનો ફાળો આપી શકે છે.વધુ વિગત માટે આશ્રમના વ્હોટ્સએપ નંબર ૯૩૨૮૮ ૫૯૭૧૯ પર સંપર્ક કરી શકાશે.