*૩૬મી નેશનલ ગેમ્સ: મારવાડી યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ એક્ટિવેશન કાર્યક્રમ યોજાયો*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય પોલીસ અધિક્ષકે વિવિધ રમતો રમી છાત્રોને ખેલકૂદ માટે પ્રેરિત કર્યા*
*આફ્રિકન દેશના ત્રણ વિદ્યાર્થીએ “વંદે માતરમ્” ગીત લયબદ્ધ રીતે રજૂ કર્યું*
*રાજકોટ તા. ૧૬ સપ્ટેમ્બર -* ૩૬મી નેશનલ ગેમ્સ અંગે યુવાનો, વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હેતુસર રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આજે સ્પોર્ટ્સ એક્ટિવેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ રમતોમાં સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે, બહુ જ ટૂંકા સમયમાં ગુજરાતે નેશનલ ગેમ્સનું આયોજન કર્યું છે, જે અહીંની વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ સુવિધાને આભારી છે. તેમણે રમત-ગમતને પ્રોત્સાહન આપવા, તથા નેશનલ ગેમ્સમાં જોડાઈને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સૌને અપીલ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ ૩૬મી નેશનલ ગેમ્સ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં આફ્રિકન દેશના ત્રણ વિદ્યાર્થીઓએ “વંદે માતરમ્” ગીત લયબદ્ધ રીતે રજૂ કર્યું હતું. જ્યારે નેશનલ ગેમ્સના મેસ્કોટ સાવજે સમગ્ર કાર્યક્રમમાં આકષૅણ જમાવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા “ફિટ ઈન્ડિયા” અભિયાનને જન આંદોલન બનાવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ બાદ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર તથા મારવાડી યુનિવર્સિટીના સહ-સ્થાપકશ્રી જીતુભાઈ ચંદારાણાએ ટેબલ ટેનિસ રમીને મારવાડી યુનિવર્સિટીના રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. અધિકારીઓ પણ વિવિધ રમતોમાં ખેલાડી બનીને ઉત્સાહથી રમ્યા હતા. આ સાથે છાત્રોને પણ કોઈને કોઈ ગેમ્સમાં જોડાવા પ્રેરણા આપી હતી. મારવાડી યુનિવર્સિટીના રમતોત્સવમાં વોલીબોલ, ટેબલટેનિસ, ચેસ તેમજ કેરમ સહિતની રમતોમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યો અને વિદેશના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*