કચ્છમાં 16 ભાઈ – બહેનોની પસંદગી થતા આરોગ્ય ખાતામાં આપશે સેવા

૦૦૦

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મહેશ્વરી સમાજ અને નોકરિયાતો દ્વારા ભુજમાં ફ્રી ક્લાસીસનું આયોજન કરાયું

ભુજ, તા.16: સામાન્ય રીતે કચ્છનું નામ પડે એટલે રણપ્રદેશમાં વસતા અજ્ઞાની અને અભણ લોકોનો જિલ્લો એવું લોકો સમજતા હોય છે અને એક વાત સ્વીકારવી પણ રહી કે કચ્છમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. જેના કારણે કચ્છના વિવિધ વિભાગોમાં નોકરી માટે નિષ્ણાંત વ્યક્તિઓ કચ્છમાંથી મળી શકતા નથી. એટલે ફરજિયાત પણે આવા નિષ્ણાંતોની કચ્છ બહારથી આયાત કરવી પડે છે. અને કચ્છીઓને નોકરી મળતી નથી. અહીં મૂળભૂત મુદ્દો શિક્ષણનો છે.

નોકરી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કચ્છના વિદ્યાર્થીઓ પાસ થતા નથી. જેના ઉકેલ માટે જાણીતા કચ્છી આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના માર્ગદર્શન હેઠળ કચ્છી મહેશ્વરી સમાજ અને કચ્છમાં ફરજ બજાવતા અનુસૂચિત જાતિ – જનજાતિના આરોગ્ય કર્મચારીઓએ બીડું ઝડપ્યું. અને તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ભુજમાં ફ્રી ક્લાસીસનું આયોજન ઘડી કાઢ્યું. જેના પરિણામ સ્વરૂપે તાજેતરમાં લેવાયેલી આરોગ્ય કાર્યકરની પરીક્ષામાં કચ્છના 16 ભાઈ – બહેનોની પસંદગી થતા તેઓ કચ્છમાં જ આરોગ્ય ખાતામાં સેવાઓ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના ગામડાઓમાં આરોગ્ય ક્ષેત્રે સેવા માટે ભાષાકીય અડચણ અવરોધરૂપ બનતી હોય છે ત્યારે કચ્છી કર્મચારીઓની પસંદગી થતા કચ્છીમાં જ લોકોની સમસ્યાઓને સમજી અને દિલથી સારી સેવાઓ આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

પસંદગી પામેલ વિદ્યાર્થીઓમાં દીપા બકુલભાઈ ભાનુશાલી, ભક્તિ દેવજીભાઈ સીજુ, શારદા લખમણભાઈ કેરાસીયા તથા ભાવિની શાંતિલાલ આંઠુએ પ્રથમ સો વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવતા આયોજકોએ ગૌરવની લાગણી અનુભવી હતી.

ક્લાસીસ માટે વિદ્યાર્થીઓને ફ્રી માં રહેવા, જમવા તથા પુસ્તકો સહિત ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડવા માટે જગદીશ મારું, ચંદ્રકાંત મકવાણા, ભરત પરમાર, નિલેશ મકવાણા, પિયુષ અમીન, ભરત વણસોલા, મહેશ રાઠોડ, હેમંત મંગેરીયા તેમજ અનેક નામી અનામી મિત્રોએ આર્થિક તેમજ સમયનું યોગદાન આપીને સહયોગ આપ્યો હતો. જે બદલ વિદ્યાર્થીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.