*‘‘સહી પોષણ, દેશ રોશન’ કોટડા સાંગાણીના રામોદ ગામે ‘‘પોષણ માહ’’ની ઉજવણી*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*૬૮ કિશોરીઓના હિમોગ્લોબિન ટેસ્ટ સાથે પૌષ્ટિક આહારની અપાઈ સમજ*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*


*રાજકોટ તા. ૧૨ સપ્ટેમ્બર -* તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે બાળકોનું તંદુરસ્ત સ્વાસ્થ્ય ખુબ જરૂરી છે. તેથી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૦૮ માર્ચ ૨૦૧૮ના રોજ રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે દર સપ્ટેમ્બર માસમાં “પોષણ અભિયાન”ની ઉજવણી કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ માહ અંતર્ગત મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે “પોષણ માહ”ની ઉજવણીના ભાગરૂપે આઈ.સી.ડી.એસ વિભાગ, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી કિશોરીના હિમોગ્લોબીન ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેડીકલ ઓફિસરશ્રી ગોહિલ દ્વારા “સહી પોષણ, દેશ રોશન”ના સંકલ્પને સાર્થક કરવા માટે આપણા જીવનમાં પૌષ્ટીક આહારનું કેટલું મહત્વ છે તે વિષેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત આઈ.સી.ડી.એસ વિભાગના પૂર્ણા શક્તિ પેકેટ, ટી.એચ.આર પેકેટ વગેરેના ઉપયોગ અંગે પણ ગ્રામજનોને માહિતી અપાઇ હતી તેમ રાજકોટ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*