સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ 8 સપ્ટેમ્બરે ટોક્યોમાં ભારત-જાપાન મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લેશે

 

જીએનએ અમદાવાદ: સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ મોંગોલિયાની તેમની મુલાકાત પૂરી કર્યા પછી, 7 સપ્ટેમ્બર 2022ના રોજ જાપાનની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે જશે. સંરક્ષણ મંત્રીની સાથે સાથે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 8 સપ્ટેમ્બર 2022ના રોજ ટોક્યોમાં બીજી ભારત-જાપાન 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લેશે. જાપાન તરફથી તેમના સંરક્ષણ મંત્રી શ્રી યાસુકાઝુ હમાદા અને વિદેશ મંત્રી શ્રી યોશિમાસા હયાશી તેમનું પ્રતિનિધિત્વ કરશે.

 

ભારત-જાપાન 2+2 સંવાદમાં વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવામાં આવશે અને ભાવિ રૂપરેખા તૈયાર કરવામાં આવશે. ભારત અને જાપાન વચ્ચે અનોખી વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી છે. આ વર્ષે બંને દેશો વચ્ચે સ્થપાયેલા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂરા થશે.

 

2+2 સંવાદ ઉપરાંત, શ્રી રાજનાથ સિંહ જાપાનમાં તેમના સમકક્ષ સાથે વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા માટે અલગથી દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે. તેઓ તેમની મુલાકાત દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી શ્રી ફ્યુમિયો કિશિદા સાથે પણ મુલાકાત કરવાના છે.

 

સંરક્ષણ મંત્રી જાપાનમાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ વાર્તાલાપ કરવા માટે ટોક્યોમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક સામુદાયિક કાર્યક્રમમાં હાજરી આપશે.