વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના મેળામાં માનવ મહેરામણ ઊમટ્યું
આ મેળામાં કચ્છની લોક સંસ્કૃતિની ઝલક જોવા મળી
૦૦૦૦
માહિતી ખાતાની ભુજ કચ્છની ટીમ દ્વારા સરકારની વિવિધ યોજનાઓના પ્રસાર પ્રચાર માટે ગુજરાત પાક્ષિક મેગેઝિન સહિત વગેરે ઉપયોગી સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ કરાયું
ભુજ, રવિવાર:
છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ દરમિયાન ગુજરાતભરના લોક મેળા બંધ રહ્યા હતા ત્યારે આ વર્ષે લોક મેળો માણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કચ્છના વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ રાપર તાલુકાના રવ ગામ નજીક આવેલા પૌરાણિક યાત્રાધામ આસ્થાનું અનેરું મહત્વ ધરાવતા રવેચી માતાજીના સાનિધ્યમાં ભાદરવા સુદ આઠમના દિવસે મેળો પરંપરાગત રીતે ભરાયો હતો.
વહેલી સવારથી મેળો માણવા માટે કચ્છ વાગડ સૌરાષ્ટ્રથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ મેળામાં કચ્છની પરંપરાગત લોક સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. લોકોએ ભાતીગળ કચ્છ પહેરવેશમાં મા રવેચીના દર્શન કરીને લોકમેળાને માણ્યો હતો.
આ પ્રસંગે માહિતી ખાતાની ભુજ કચ્છની ટીમ દ્રારા સરકારી યોજનાના પ્રસાર પ્રચાર અર્થે ગુજરાત પાક્ષિક મેગેઝિન સહિતના સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર ભીલ
૦૦૦૦