*_પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, મેનીફેસ્ટો કમિટિ ચેરમેન તથા પ્રવક્તા મનીષ દોશીને પત્રકારોના પડતર પ્રશ્નો બાબતે રજૂઆત_*
પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડિયાની સૂચનાથી પત્રકારોના હિતમાં 14 મુદ્દાની માંગણી રજૂ કરતું આવેદનપત્ર આજરોજ અમદાવાદ જિલ્લા એકમ પ્રમુખ શ્રી હસમુખ પટેલની રાહબરી હેઠળ સર્વશ્રી હસમુખ વ્યાસ, ભૂમિત પંચાલ, ચિરાગ શાહ અને ભગવત વ્યાસ વગેરે હોદ્દેદારમિત્રો દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદન પત્ર થકી ગુજરાત કોંગ્રેસ દ્વારા પત્રકારોના હિતમાં યોગ્ય ન્યાયિક પગલાં ભરવામાં આવે અને પડતર માંગણીઓને ચૂંટણીના મેનીફેસ્ટોમાં સમાવવા પ્રદેશ પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા માંગ કરવામાં આવી છે. આવનારા સમયમાં ગમે તે ક્ષણે ચૂંટણીની જાહેરાત થઈ શકે તેમ છે.
સત્તાપક્ષ સમક્ષ પત્રકારોની પડતર માંગણીઓ વિશે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજદિનપર્યંત સતત અને સખત દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે જે બાબત ખેદજનક છે. આ બાબતે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રકારોના હિતમાં ઘટતું કરવામાં આવે અને યથોચિત માંગણીઓને પૂર્ણ કરવામાં સહાયક ભૂમિકા ભજવવામાં આવે તેવી અપેક્ષા સહ આજરોજ પત્રકાર એકતા પરિષદ અમદાવાદ જિલ્લા એકમ પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, કોંગ્રેસ મેનીફેસ્ટો સમિતિના ચેરમેન દિપકભાઈ બાબરિયાજી અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા શ્રી મનીષભાઈ દોશીને આવેદન સુપરત કરવામાં આવ્યું હતું.
આગામી એકાદ અઠવાડિયામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં પત્રકારોના પડતર પ્રશ્નો પૈકી કેટલાક મુદ્દાઓને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા અંગેની ખાતરી પ્રદેશ કોંગ્રેસ કક્ષાએથી આપવામાં આવી છે. પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારોના હિત અંગેની પડતર માંગણીઓ અંગે અન્ય રાજકીય આગેવાનો સાથે પણ સંકલન અને બેઠકોનો દોર ચાલુ છે. આગામી ટૂંક સમયમાં પત્રકારોના હિતમાં ઐતિહાસિક નિર્ણયોની જાહેરાત કરાવવા પ્રદેશની ટીમ દ્વારા અંગત રસ લઈ વિવિધ તબક્કે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.