ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર પ્રસૂતિમાં માતા અને બાળક બંનેનું રક્ષણ થયું

રાજ્ય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રસૂતા ઘરેથી દવાખાના સુધી આવ્યા હતા અને ખિલખિલાટ વાનમાં ઘેર પહોંચ્યા હતા
00000
ભુજ, શુક્રવાર :
સમય સૂચકતા અને આવડતથી ગંભીર પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક પ્રસૂતિ કેવી રીતે કરાય તેનું નોંધનીય ઉદાહરણ તાજેતરમાં ભુજ તાલુકાના ખાવડા ગામે ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પ્રસૂતિના કિસ્સામાં જોવા મળ્યું.

મોડી રાતે ૯;૩૦ વાગ્યાની આસપાસ કંચનબેન નામના પ્રસૂતાને તેમના પરિજનો આરોગ્ય કેન્દ્રમાં લઈને આવ્યા હતા. પ્રસુતાને અત્યંત દુખાવો થવાથી તેમને તાત્કાલિક લેબરરૂમમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સામૂહિક કેન્દ્રમાં ઉપસ્થિત મીડ વાઈફ સુનીતાબેન ભાદરકાએ સમય સૂચકતા દાખવીને કંચનબેનની સલામત પ્રસૂતિ કરાવી હતી. નવજાત બાળકના ગળા અને પગના ભાગમાં ગર્ભ નાળ વિંટળાએલી હતી. મીડ વાઈફ સુનીતાબેને તેને વ્યવસ્થિત કરીને સાવચેતી અને સાવધાની પૂર્વક બાળકનો સલામત જન્મ કરાવ્યો હતો.


રાજ્ય સરકાર દ્વારા અપાયેલી તાલીમ અને કામના અનુભવના પગલે હુ આ કરી શકી એમ સુનીતાબેન ભાદરકા જણાવે છે. પોતાની કોઠાસૂઝથી તેમણે બાળક અને માતા – જચ્ચા અને બચ્ચા બંનેનું રક્ષણ કર્યું. આ પ્રસૂતિ જોખમી હતી. ગર્ભનાળનું દબાણ બાળકના ગળા પર હતું અને ગળું દબાતું હતું અને નાળ પગમાં પણ વીંટાએલી હતી. ગર્ભનાળ પર કોઈ પણ જગ્યાએથી દબાણ આવે તો બાળકના ધબકારા બંધ થવાની પૂરી શક્યતા હતી. આ સ્થિતિમાં સુનીતાબેને બાળકને બચાવતા કંચનબેનની સુરક્ષિત અને સફળ પ્રસૂતિ કરાવી હતી તેમજ જચ્ચાબચ્ચાને- બંનેને રાજ્ય સરકાર દ્વારા દવાખાનાથી ઘર સુધી પહોંચાડતી ખિલખિલાટ વાનમાં સુરક્ષિત રીતે પહોંચતા કર્યા હતા.
આમ રાજ્ય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સમાં, જેમાં કંચનબેનને ઘરેથી દવાખાના સુધી લાવવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારની ખિલખિલાટ વાન- જેમાં તેઓ સુરક્ષિત પોતાના ઘેર પહોંચ્યા હતા. મીડવાઈફ સુનિતાબેન ભાદરકાનો સમગ્ર પરિવારે દિલથી આભાર માન્યો હતો તેમજ આ કામગીરી માટે તેમને ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરશ્રી ડૉ.રોહિતભાઈ ભીલ અને આરોગ્ય પરિવારે પણ અભિનંદન આપ્યા હતા.

સફ્ળવાર્તા -હેમલતા પારેખ