*વિરપુર ખાતે કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા*

*”હર ઘર તિરંગા” અંતર્ગત તિરંગા સાયકલ યાત્રાનું આયોજન*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*રાજકોટ તા.૧૦ ઓગસ્ટ -* સમગ્ર ભારતવર્ષ આઝાદીના ૭૫ વર્ષનો સાક્ષાત્કાર કરવા “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવી રહ્યું છે ત્યારે ૧૫મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ભારતના નાગરિકો ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસને ઉજાગર કરવા આપણાં દેશના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રધામ વિરપુર ખાતે વિરપુર કુમાર શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા “તિરંગા સાયકલ રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા સાયકલ રેલીમાં કુમાર શાળાના વિદ્યાર્થીઓએ દેશની આન-બાન-શાન સમા તિરંગા સાથે વિરપુરના મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં ફરીને હર ઘર તિરંગાના સ્લોગન સાથે લોકોને દેશની શાન તિરંગા વિશે સંદેશો આપીને માહિતગાર કર્યા હતા. આ તિરંગા સાયકલ રેલીને સફળ બનાવવા કુમાર શાળા વિરપુરના આચાર્ય મનોજભાઈ ડોડીયા, શિવરાજભાઈ સહિતના શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ તિરંગા સાયકલ યાત્રામાં વિરપુર ગામના યુવા સરપંચ રમેશભાઈ સરવૈયા, જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયા અને જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઈ વઘાસીયા સહિતના આગેવાનો, કુમાર શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ જોડાયા હતા.